યોગના આસન, પ્રાણાયામ અને ધ્યાનથી લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ કેળવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27 : ભારત સરકારનાં સાંસ્કળતિક મંત્રાલય દ્વારા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે ‘‘હર ઘર ધ્યાન” કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા મળી કુલ 41 જગ્યા પર એક જ સમયે અને એક સાથે તા.26 માર્ચે સવારે 6 થી 8:00 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત વલસાડના ધરમપુર રોડ પર આવેલા આરપીએફ મેદાન પર હર ઘર ધ્યાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રોટોકોલનો અભ્યાસ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે દ્વારા કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ધ્યાનનું સંપૂર્ણ સત્ર આર્ટ ઓફ લિવિંગના ડો.મનોરમા નાયડુ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા જિલ્લા રમતગમત ઓફિસ કચેરી તરફથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બધાએ મળીને એક સાથે પ્રાર્થના, આસન, પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસ કર્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ઘર સુધી યોગ પહોંચાડવાનો તેમજ યોગ અને ધ્યાનના માધ્યમથી દરેક વ્યક્તિ શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે તે હતો. વલસાડ આર.પી.એફ. ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ સામેલ થઈ સ્વાસ્થ્ય લાભ લીધો હતો.