આરોપી કરણ રાજેશ ગુપ્તા (તૈલી) પાસેથી 53 હજારનો ગાંજો અને રૂા.4.20 લાખ રોકડા મળ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વાપી પશ્ચિમ કબ્રસ્તાન રોડ ઉપર આવેલી રાણાની ચાલમાં એસ.ઓ.જી.એ રેડ કરીને ગાંજા વેચાણનું રેકેટ ઝડપી પાડયું હતું. ઝડપાયેલ આરોપી પાસેથી 5,330 કી.ગ્રા. ગાંજાનો જથ્થો તથા રૂા.4,20,500 લાખ રોકડા મલી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
એસ.ઓ.જી. પી.આઈ. એ.યુ. રોઝ, હે.કો. દિગ્વિજયસિંહ, પો.કો. અરશદ યુસુફભાઈને મળેલી બાતમી આધારે આજે કબ્રસ્તાન રોડ સ્થિત રાણાની ચાલમાં રેડ પાડી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે 5,330 કી.ગ્રા. ગાંજાનો જથ્થો કિંમત રૂા.53 હજાર તથા રોકડા રૂપિયા 4,20,500, એક ઈલેક્ટ્રીક કાંટો કિં.1000, એન્ડ્રોઈડ મોબાઈલ રૂા.10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી કરણ રાજેશ ગુપ્તા (તૈલી) ઉ.વ.19 મૂળરહે.બેલવા પヘમિ ચંપારણ બિહારની ધરપકડ કરી હતી. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાપી વિસ્તારમાં અગાઉ પણ ટાંકી ફળીયામાં ગાંજાનું વેચાણ કરતી એક મહિલા ઝડપાઈ હતી.