(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27 : વલસાડ જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડના રજિસ્ટ્રેશનની મેગા ડ્રાઈવ તા.28 અને 29 માર્ચ 2023ના રોજ રાખવામાં આવી છે. ઈ-શ્રમ કાર્ડની નોંધણી ગ્રામ પંચાયત ઈ-ગ્રામ સેન્ટર પર (એસએસકે) તેમજ જે તે વિસ્તારના સીએસસી સેન્ટર ઉપર કરવામાં આવશે.
ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે અસંગઠિત શ્રમયોગીઓએ આધાર કાર્ડ, આધાર સાથે લીંક મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે. આ કાર્ડ માટે 18 થી 60 વર્ષની વચ્ચેની ઉંમરના કોઈપણ અસંગઠિત શ્રમયોગી નોંધણી કરાવી શકે છે, ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી સંપૂર્ણ મફત છે. અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ, ડોમેસ્ટીક વર્કર્સ, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ, નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડીવર્કર્સ, મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા શ્રમયોગીઓ, પ્લાન્ટેશન વર્કર્સ, મિલ્ક મેન, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રિક્ષા ચાલકો, મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ અન્ય સબંધિત શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.
ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા દરેક અસંગઠિત શ્રમયોગીને 1 વર્ષ માટે રૂા.2 લાખનો અકસ્માત વીમો મંજૂર કરવામાં આવશે અને અંશતઃ વિકલાંગતાના કિસ્સામાં રૂા.1 લાખ મળશે અને નોંધણી થયેથી શ્રમયોગીઓને 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથેનું ઈ-શ્રમ કાર્ડ જારી થશે જે દેશભરમાં માન્ય ગણાશે. જેથી તા.28 અને તા.29 માર્ચ 2023ના રોજ વલસાડ જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડના રજિસ્ટ્રેશનની યોજાનાર મેગા ડ્રાઈવમાં તમામ અસંગઠિત શ્રમયોગીને ઈ-શ્રમ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન મેગા ડ્રાઈવનો લાભ લેવા વલસાડ જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તની અખબારી યાદીમાં જણાવાયું છે.