(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા 31 માર્ચે વેરા વસૂલાત અભિયાન ચાલુ રાખી 7 દુકાનોને તાળા મારી રૂા.30.50 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી હતી. વર્ષ 22-23ના પૂરા થતા વર્ષના વેરા વસૂલાતના છેલ્લા દિવસે અભિયાનને વેગ આપી મહાત્મા ગાંધી સર્કલ પાસેના કે.પી. ટાવરની 3 દુકાનો અને સાંઇનગરમાં શાંતિ સોસાયટીમાં 4 દુકાનોને તાળા માર્યા હતા. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગના ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્સ્પેકટર દીપક ચભાડીયા તથા ક્લાર્ક શશીકાંત, ઈશ્વરભાઈ, અલ્પેશ વગેરે કર્મચારીઓની ટીમે સમગ્ર માર્ચ માસ દરમ્યાન દરરોજ સઘન વેરા વસૂલાત અભિયાન ચલાવ્યું હતું અને લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ ના ભરતા બાકીદારોની કોમર્શિયલ મિલકતોને તાળા મારવા સાથે સોસાયટીઓના નળ જોડાણ કાપવાની કાર્યવાહી કરી 31 દિવસમાં રૂા. 2.86 કરોડની વસૂલાત કરી હતી અને 31 માર્ચે એક જ દિવસમાં રૂા.30.50 લાખની વસૂલાત થતાં રૂા.1726.79 લાખના માંગણા સામે રૂા.1660.94 લાખની વસૂલાત થતાં વસૂલાતની ટકાવારી 96.19 ટકા ઉપર પહોંચી હતી. ગત2021-22ના વર્ષમાં પણ 96.19 ટકા વેરા વસૂલાત થઈ હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/03/WhatsApp-Image-2023-03-31-at-7.32.41-PM-960x1240.jpeg)