(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.26: શ્રી વલ્લભ સંસ્કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જીલ્લા પોલીસના સલાહસુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્યસનમુક્તિ વિષય પર પારડી ચાર રસ્તા પૂલ નીચે નુક્કડ નાટક ભજવવામાં આવ્યું ત્યાર બાદ પોસ્ટર અને બેનર લઈ નારા લગાવી રેલી કાઢી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. સડક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘનના કારણે રોજબરોજ વાહન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાના નિવારણ માટે અને લોકોમાં નવજાગૃતિ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક દ્વારા સુંદર સંદેશ આપવામાં આવ્યો. આજની યુવા પેઢીમાં વ્યસન કરવું એક ફેશન બની ગયું છે. જેને કારણે આજનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એ બાબતને ધ્યાનમાં લઈ બીજું નુક્કડ નાટક વ્યસન મુક્તિ પર કરવામાં આવ્યું. તેમાં સંદેશો આપવામાં આવ્યો કે વ્યસનના કારણે ઘણા પ્રકારના રોગો થાય છે અને મૃત્યુદર પણ વધી રહ્યો છે આ સમસ્યાનું નિવારણ કરવા માટે વ્યાસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લેવાનું જણાવવામાં આવ્યું. આ કાર્યક્રમની સફળતામાં પારડી પોલીસનો પણ સારો સહકાર મળ્યો. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.