પ્રાકૃતિક ખેતીના પ્રચાર અર્થે અંકલાસના ખેડૂત હસમુખ ભંડારી દ્વારા જીવામૃતનું ફ્રીમાં વિતરણ કરાયું

પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલી ખેત પેદાશોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું, 800 ખેડૂતોએ ભાગ લીધો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ધોડીપાડા ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 800 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ જુદા જુદા ગામના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા. ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનાઓનો લાભ લેવા માટે જણાવાયું હતું. આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડી. એન. પટેલ દ્વારા હાલમાં પ્રાકૃતિક ખેતી કેમ જરૂરી છે તે વિશે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીનો વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે અંકલાસ ગામના ખેડૂત હસમુખભાઈ મોહનભાઈ ભંડારી દ્વારા 400 લીટર જીવામૃતનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલી ખેત પેદાશોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું તેમજ ખેતી અને અન્ય વિભાગોના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર વિમલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.