
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : આજે દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ જગ્યાઓ પર આસો વદ બારસે‘વાઘબારસ’ના અવસરે ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા આદિવાસી સમાજ દ્વારા જંગલી પશુઓ, માનવ સમુદાય તેમજ પાલતુ જાનવરોના રક્ષણ માટે વાઘદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ચોક્કસ સ્થળે ગાય ભેંસ કે બકરા ભેગા કરવામાં આવે છે. જ્યાં વાઘદેવની પહેલાથી જ સ્થાપના કરેલી હોય છે. પશુઓ ચરાવતા ગોવાળોમાંથી બે ગોવાળોને પસંદ કરવામાં આવે છે. એકને વાઘ અને બીજાને ભાલુ બનાવવામાં આવે છે. બંનેને વાઘદેવની સામે બેસાડી પૂજા અર્ચના કરવામાં આવી હતી. પૂજા-અર્ચનામાં પાનગો( ચોખાના લોટમાંથી જાડો રોટલો બે પાનની વચ્ચે મૂકીને શેકેલો) રોટલો મૂકવામાં આવે છે. એની સાથે નાળિયેર, કાચા ચોખા, ફૂલ વગેરે મૂકવામાં આવે છે.
વાઘદેવની પૂજા પૂર્ણ થયા પછી પ્રતીક્ષામાં વાઘ ભાલુડાની પૂજા કરીને બંનેને તિલક કરી સવા રૂપિયો આપવામાં આવે છે અને ફરતે બીજા અન્ય તમામ ગોવાળો ચેવટા(એક પ્રકારનુ ફળ, ગોળ કાકડી) લઈને ઊભા હોય છે. પશુઓને ગોળ ફેરવતા જાય અને ભગત દ્વારા ખાસ જંગલમાંથી મેળવેલ ઔષધીનો છંટકાવ કરે છે. એવા ચાર આંટા પૂરા થાય એટલે વાઘ આવ્યાની બૂમ પડે છે અને વચ્ચે બેઠેલા વાઘ અને ભાલુ બનેલા ગોવાળો પાનગો લઈને ખૂબ ભાગે છે. ત્યારે ગોળ ઉભા રહેલાગોવાળો વાઘ અને ભાલુને મારવા દોડે છે અને વાઘ ભાલુ દૂર ભાગી જઈને પાનગો ખાઇને પરત આવે છે. પૂજાના અંત ભાગમાં ઘરે ઘરેથી ઉઘરાવેલા લોટમાં બનાવેલા પાનગો અને દાળ-ભાતનું વાઘ બારસની ઉજવણી કરતા લોકો સમુહ ભોજન કરવામાં આવે છે. બાદમાં પશુ ઉપર છાંટીને વધેલુ ઔષધ પોતપોતાના ઘરે લઈ જઈ બાકી રહેલા પશુઓ ઉપર છંટકાવ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની કહાની પ્રમાણે આજે દાદરા નગર હવેલીના આદિવાસીઓ દ્વારા ‘વાઘબારસ’ નિમિત્તે પૂજાવિધિ અને સમુહ ભોજન કરીને ઉજવણી કરવામાં આવી હતી.