એડવોકેટ સ્મિતા ગોહિલે પોક્સો એક્ટ બાબતે આપેલી વિસ્તૃત જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27: રાજ્ય કાનૂની સેવા સત્તાધિકારી, દમણ અને બાર એસોસિએશન દમણના સંયુક્ત ઉપક્રમે મોટી દમણની ફાધર એગ્નેલો શાળામાં આજે કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને જાતિય ગુનાઓથી કેવી રીતે બચાવવા અને તેમના મૌલિક અધિકારો બાબતે જાણકારી આપવાનો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કાનૂની શિબરમાં એડવોકેટ શ્રીમતી અલ્પા મોદીએ વિદ્યાર્થીઓને તેમના મૌલિક અધિકાર અને કર્તવ્યો બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે પોતાના સંવૈધાનિક અધિકારોનો લાભ લેવો જોઈએ. સાથે એ પણ જણાવ્યું હતું કે, જાતીયગુનાઓથી સામાન્ય લોકોએ જાગૃત રહેવા જોઈએ. એવોકેટ શ્રીમતી અલ્પા મોદીએ જણાવ્યું હતું કે, બાલિકાઓને ‘ગુડ ટચ અને બેડ ટચ’ની પણ જાણકારી રાખવી જોઈએ, જેથી બાલિકાઓ કોઈપણ પ્રકારની અસુવિધાજનક પરિસ્થિતઓમાંથી બચી શકે. તેમણે જણાવ્યું હતું કે, જો તેમને કોઈ ખોટી રીતે અડવાની કોશિશ કરે છે તો તેઓ પરેશાન કરનારાઓથી ડરે નહીં અને તેને એવું ન કરવા જણાવે. પરેશાન કરનારાઓથી બચવા માટે હલ્લાબોલ કરો જેથી આસપાસના લોકો તેમનો અવાજ સાંભળીને બચાવી શકે.
આ અવસરે એડવોકેટ સ્મિતા ગોહિલે પોક્સો એક્ટ બાબતે જાણકારી આપતા જણાવ્યું હતું કે, સગીર બાળકોને જો જાતીય હુમલો, જાતીય પરેશાની કે અશ્લીલ સંદેશ મોલકવામાં આવે તો બાળકોએ તરત તેની જાણકારી ડર્યા વગર વિના સંકોચે પોલીસ પ્રશાસન, અધ્યાપક કે પોતાના માતા-પિતા/વાલીઓને આપવી જોઈએ. જો બાળક તેની સૂચના કોઈને પણ નહીં આપે તો તેના અભાવમાં આરોપીઓને વધુ ગુના આચરવાનો મોકો મળે છે. તેથી આપણે તમામે આ બાબતમાં સતર્ક રહેવું જોઈએ. એડવોકેટ સ્મિતા ગોહિલે પોક્સો એક્ટના વિષયમાં વિસ્તારથી જાણકારી આપતા પીડિતો માટે મફત કાનૂની સેવાઓની બાબતમાં પણ જાણકારી આપી હતી. આ અવસરે ફાધર એગ્નેલો શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો,વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.