માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સક્રિયતા દાખવી આ એપ્રોચ રોડને ખુલ્લો કરાવે તેવી માંગ ઉઠવા પામી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.01: ચીખલી માર્ગ મકાન કચેરીથી અડધા કિલો મીટરના અંતરે ચીખલી-તલાવચોરા-ઘેજ માર્ગ સ્થિત કાવેરી નદીના જુના ડૂબાઉ પુલનો સમરોલી તરફનો જે અપ્રોચ રોડ હતો. તેનાપર મોટાપાયે માટી પુરાણ કરી દઈ આ એપ્રોચ રોડ પર રીતસરનો કબ્જો કરી લેવાયો છે. અને આ એપ્રોચ રોડ પરથી વાહન વ્યવહાર પણ સદંતર બંધ થઈ જવા પામ્યો છે.
આમ તો માર્ગ મકાન દ્વારા આ માર્ગ ઉપર પૂરતી ઊંચાઈવાળા પુલના નિર્માણ બાદ આ જુના પુલ પરથી વાહન વ્યવહાર રહ્યો ન હતો. પરંતુ એક સમયે આ જુના પુલવાળો માર્ગ પણ ખુલ્લો જ હતો. અને ખાસ કરીને સ્થાનિકો દ્વારા ઉપયોગ કરાઇ રહ્યો હતો. પરંતુ હાલે સમરોલી તરફના એપ્રોચ રોડ પર મોટા પાયે માટી પુરાણ કરી દેવાતા આ જુના પુલવાળો માર્ગ સદંતર બંધ થઈ જવા પામ્યો છે.
વધુમાં કોઈ આકસ્મિક સંજોગોમાં નવા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરવાની સ્થિતિ આવે તો વિકલ્પ તરીકે પણ આ જુના પુલવાળા માર્ગનો ઉપયોગ કરીશકાય પરંતુ હાલની સ્થિતિ જોતા આ માર્ગના એપ્રોચ ઉપર નવા પુલના એપ્રોચ ને અડીને તેને લગોલગ માટી પુરાણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ન જાગશે તો આ માર્ગનું અસિતત્વ જ મટી જશે તે વાત ચોક્કસ છે. ત્યારે સ્થાનિક લોકો માટે પણ અનેક રીતે ઉપયોગી એવા આ કાવેરી નદીના જુના પુલના સમરોલી તરફના એપ્રોચ રોડ પરથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા માટી ખસેડાવી આ માર્ગને ખુલ્લો કરવામાં આવે તેવીમાંગ ઉઠવા પામી છે.
માર્ગ મકાન ચીખલી સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્યાનુસાર તલાવચોરા કાવેરી નદીના જુના પુલના એપ્રોચ રોડ પર માટી પુરાણ અંગેની તપાસ કરાવી લઉં છું અને જરૂર પડ્યે નોટીશ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે.