(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પ્રેમમાં પડેલા પ્રેમીઓ એક બીજાને સાથે જીવનપર્યંત સાથે જીવવા અને સાથે મરવા સુધીના વચનોઆપતા હોય છે. પરંતુ કોઈક સાચા પ્રેમીઓ જ આવા વચનો પાળે છે.
પરંતુ હાલના આધુનિક જમાનામાં સંપૂર્ણપણે પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ છે અને નિર્દોષ અને પવિત્ર પ્રેમની જગ્યા વાસનામાં પરિવર્તિત થઈ ગઈ છે. બીજી બાજુ કેટલોક વર્ગ સમજી વિચાર્યા વિના મહામૂલી જીંદગી પણ ટૂંકાવવાના કિસ્સા પણ બની રહ્યા છે ત્યારે પારડી તાલુકાના નેવરીગામે ઘેલાલાલા ફળિયા ખાતે રહેતી નીલમબેન રામુભાઈ નાયકા ઉ.વ.19, ડહેલી ગામે દાદરી ફળિયા ખાતે રહેતા સચિન રમણભાઈ પટેલ ઉ.વ.24 આ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડયા હતા અને તેવો બંને એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા.
પરંતુ નીલમબેને કોઈ કારણસર રવિવારના રોજ સવારે એક વાડીમાં પહોંચી આંબાના ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસ પીએમની કાર્યવાહી કરી રહી હતી તો બીજી તરફ આ બાબતની જાણ નીલમના પ્રેમી સચિનને થતાં તે આઘાતમાં સરી પડ્યો હતો અને તેને પણ બપોરે ડહેલીગામે એક વાડીમાં પહોંચી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પારડી તાલુકાનાં પ્રેમી પંખીડા આપઘાત કરી લેતા અનેક ચર્ચાઓ ચાલી હતી ત્યારે પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરીછે જોકે નિલમે અચાનક કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.