કન્ટેનર એકલુ દોડતું જોઈ વાહન ચાલકોના જીવ અધ્ધર : કારોમાં ફસાયેલાઓને લોકોએ કાચ તોડી બહાર કાઢયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: ઉદવાડા-પારડી હાઈવે ઉપર આજે બુધવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. હાઈવે ઉપર ચાલી રહેલ કન્ટેનર ટ્રેલરથી અચાનક છૂટુ પડી એકલુ દોડતુ રહેલું જે આડેધડ આજુબાજુમાં આવી રહેલી કારોને ધડાધડ અડફેટમાં લેતા ચાર ઉપરાંત કારો સાથે અકસ્માત સર્જાયા હતા.
ઉદવાડા-પારડી હાઈવે ઉપર આજે ટ્રેલરથી કન્ટેનર અચાનક છૂટું પડી ગયું હતું. એકલું કન્ટેનર દોડતુ રહેલું તેને જોઈને વાહન ચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ દોડી રહેલ કન્ટેનરે ચાર ઉપરાંત કારો સાથે ભટકાઈ જતા ગંભીર અકસ્માતો સર્જાયા હતા. કોઈ કારો ડિવાઈડર સાથે એકસાથે ભટકાઈ ગઈ હતી તો બીજી તરફ અકસ્માતને લઈ કારચાલકો અંદર ફસાઈ ગયા હતા તેથી એકત્રીત લોકોએ કારોના કાચ બધાને સલામત બહાર કાઢયા હતા. અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી. અકસ્માતને લઈ ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. અકસ્માતની જાણ બાદ પારડી પોલીસ ક્રેઈન સાથે ઘટના સ્થળે દોડી આવી મામલો સંભાળી લીધો હતો. ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો દૂર કરાયા હતા. બાદમાં ટ્રાફિક રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવ્યો હતો.