(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.04: ધરમપુરમાં આવેલ શ્રીમદ્દ રાજચંદ્ર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 Summit ના યુવાઓ માટેના કાર્યક્રમ Y-20 (Youth -20) અંતર્ગત ‘ગુજરાત સંવાદ’ યોજવામાં આવ્યો હતો. સંવાદનો વિષય હતો ‘આરોગ્ય સુખાકારી અને રમતગમત.’ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા બારોલીયા ગામના સામાજિક કાર્યકર્તા શ્રી ધનેશભાઈ ચૌધરી અને અન્ય મહેમાન હતા પૂર્વ વાંસદા પ્રતાપ હાઇસ્કુલના પ્રિન્સિપાલ શ્રી મગન સર. સંવાદના વક્તાઓ હતા કોમર્સ કોલેજ વલસાડના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી દિવ્યાબેન ઢીમ્મર અને સ્વામી વિવેકાનંદ ગુજરાત બોર્ડ વલસાડના જિલ્લા પ્રભારી શ્રી હર્ષિત ભાઇ દેસાઈ. સાથે જ શ્રીમદ્દ રાજચંદ્ર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર પણ ઉપસ્થિત હતા. સેન્ટરના 160 વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહથી આ સંવાદમાં ભાગ લીધી હતો.
યુવાઓના વ્યક્તિત્વ વિકાસ માટે તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે. સ્પોર્ટ્સ શારીરિક કસરત સાથે જ આનંદ પણ આપે છે અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ પણ કરે છે. આથી વર્તમાન સમયમાં સ્પોર્ટ્સનું મહત્વ વિશેષ છે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ યુવા પ્રવૃત્તિઓને વેગવાન બનાવવાનું મહત્વનું કાર્ય કરે છે. આ વર્ષે ભારત સરકાર G-20 Summit ના યજમાન દેશ હોવાથી તેના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમાંનો Y-20 (Youth -20) એ યુવાઓ માટેનો એક કાર્યક્રમ છે, જેના અંતર્ગત યુવાઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા આ સંવાદ યોજવામાં આવ્યો હતો.
પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રીમદ્દ રાજચંદ્ર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં ગ્રામીણ યુવાઓને રોજગારલક્ષી શિક્ષણ, તાલીમ અને અનુભવ આપવા ટૂંકા સમયના અભ્યાસક્રમો કરાવવામાં આવે છે. સાથે જ તેમનામાં નવીન વિચારાત્મક અને સંશોધનાત્મક વલણ ખીલવી ઉદ્યોગ શરુ કરવાની સાહસિકતા કે રોજગાર માટે પ્રોત્સાહન તેમ જ માર્ગદર્શન આપવામાં આવે છે. આવા સંવાદોના આયોજન આ વિદ્યાર્થીઓના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મદદરૂપ બનશે