(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાલમાં સમગ્ર રાજ્યમાં ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન” ચાલી રહ્યું છે. યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ પણ રાજ્યના તમામ લોકોને ડાયાબિટીસના દર્દીઓ માટે દરેક જિલ્લામાં ચાલી રહેલી સ્પેશિયલ યોગ શિબિરમાં ભાગ લઈ ડાયાબિટીસ મુક્ત ગુજરાતના અભિયાનને સાર્થક કરવા અપીલ કરી હતી. યોગ બોર્ડના આહ્વાનને ઝીલી લઈ વલસાડના અબ્રામા સ્થિત રાધાકળષ્ણ મંદિરમાં કાર્યરત રાધા યોગ શાળા દ્વારા યોગના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો તેમજ આસપાસના લોકો માટે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યોગના અભ્યાસુઓએ ભાગ લીધો હતો.
ડાયાબિટીસઅંગેના આ સ્પેશિયલ સેશનમાં યોગ શાળાના સંચાલિકા તેમજ નેશનલ યોગાસનના કોચ અને ઉત્તરાખંડ યોગાસનના ગોલ્ડ મેડાલિસ્ટ રાધા પારિતોષ જોશીએ યોગ સાધકોને ડાયાબિટીસથી મુક્ત કેવી રીતે બની શકાય તે માટે નેચરોપથી હેઠળ કારેલા, કાકડી, લીમડો અને કઢી પત્તીના ઉપયોગ તેમજ રાયના તેલથી પગને કેવી રીતે મસાજ કરવા, કયા કયા એકયુપ્રેશર પોઈન્ટ શરીરના વિવિધ ભાગો પર કયા અને કેવી રીતે દબાવવા તે અંગે પણ પ્રેક્ટિકલ માહિતી આપી હતી. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ તેમજ તંદુરસ્ત લોકોએ પણ ડાયાબિટીસથી બચવા માટે કયા કયા આસનો અને પ્રાણાયામ કરવા તે અંગે પણ વિસ્તૃત માહિતી આપી આસનો કરાવ્યા હતા.
આ સિવાય આહારમાં શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય ક્લેપિંગ થેરાપી પણ કરાવવામાં આવી હતી. સેશન પૂર્ણ થયા બાદ યોગના સાધકોએ પણ પોતાના પ્રતિભાવો આપી ડાયાબિટીસ અંગેના આ સ્પેશિયલ સેશનને બિરદાવ્યો હતો.