પ્રદૂષણ ફેલાવી રહેલ સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ સામે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ગામલોકોની માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના રાંધા ગામના ઉસ્ટેપાડા વિસ્તારમાં સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ કંપની આવેલ છે. આ કંપની દ્વારા એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપની ઘણાં સમયથી બંધ હતી, જે હાલમાં થોડા દિવસ અગાઉ ફરીથી કાર્યરત કરવામાં આવી છે. હાલમાં ચાલુ કરવામાં આવેલ સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાંથી નીકળતો ધુમાડો આજુબાજુના રહેણાંક વિસ્તારમાં તથા વાતાવરણમાં પ્રસરી રહ્યો છે. જેનાથી વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ વાયુ પ્રદૂષણના કારણે ગ્રામજનોના આરોગ્ય ઉપર વિતરીત અસર પડી રહી છે તેમજ આજુબાજુના શાંત, સૌમ્ય, સુંદર, કુદરતી આહ્લાદક વાતાવરણમાં ફેલાઈ રહેલા ધૂમાડાના ગોટેગોટાના કારણે બદબૂ પણ ઉઠી રહી છે. જેનાથી રહેવાસીઓ તથા રસ્તા ઉપર આવતા-જતાં મુસાફરો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ત્રાહિમામ પોકારી રહ્યા છે, તેથી ગ્રામજનોની માંગ છે કે આ કંપની સામે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.