જમીનના ઝઘડામાં કુહાડીના ઘા ઝીંકી યુવાન પુત્રને મોતને ઘાટ ઉતાર્યોઃ પિતાની તબિયત લથડતાં તેમને વલસાડ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: હાલના સમયમાં પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ એમ પૈસા જ સર્વસ્વ બની ગયા છે પૈસા ને લઈ અનેક સંબંધો ભૂલી જાય માણસ હત્યા સુધી પણ પહોંચી જાય છે.
આવો જ કંઈક કિસ્સો પારડી તાલુકાના રોહિણા ગામે આજરોજ બનવા પામ્યો છે. જમીન અને પૈસાના ઝઘડામાં સમાધાન થયા બાદ પણ નિષ્ઠુર પિતાએ યુવાન પુત્રની કુહાડીના ઘા મારી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પારડી તાલુકાના રોહિણા દામુ ફળિયા ખાતે રહેતા નામદેવભાઈ બાબુભાઈ નાયકા ઉંમર વર્ષ 65 પોતાના બે દીકરા રાજેશ અને નરોત્તમમાંથી નરોત્તમ સાથે રહેતા હતા. જ્યારે માતા પાર્વતી મોટા છોકરા રાજેશ સાથે અલગ ઘરમાં રહેતી હતી.
થોડા સમય અગાઉ પોતાની જમીનમાં આવેલ ઝાડો વેચતા આ ઝાડો ના આવેલ ચાર લાખ રૂપિયા પતિ નામદેવ અને પત્ની પાર્વતી એમ બન્નેએ બે બે લાખ વહેંચી લીધા હતા. પરંતુ પિતા પુત્ર વચ્ચે જમીન અને પૈસાની બાબતે ઘણી વખતઝઘડાઓ થતા હતા.
હાલમાં નરોત્તમ પોતાનું અલગથી ઘર બાંધતો હોય ઘર બાંધવા માટે તેણે પિતા પાસે પૈસાની માંગણી કરતા આજરોજ સવારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા નિષ્ઠુર પિતાએ આવેશમાં આવી પોતાના સગા દીકરાના કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ પોતાની પણ તબિયત લથડતાં 108 દ્વારા વલસાડ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે ઘટના સ્થળ ડી.વાય.એસ.પી. એ.કે. વર્મા તથા પારડી પી.આઈ. બી.જે. સરવૈયા સહિત સ્થળ પર પહોંચેલી પારડી પોલીસે લાશનો કબજો લઈ પી.એમ.માં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.