ગ્રામ પંચાયતોમાં સરપંચ જ સર્વે સર્વા અને ગ્રામસભાદ્વારા નક્કી થતો ગામનો વિકાસ : પ્રેમજી મકવાણા-બી.ડી.ઓ.
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12
આજે દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના ભાગરૂપે ‘ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન’ અંતર્ગત ‘સબકી યોજના, સબકા વિકાસના 2022-23’ના એક્શન પ્લાનને મંજુર કરવા સરપંચ શ્રી અમિતભાઈ લાલુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે મોદી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
દમણના બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ ગ્રામસભાનો હેતુ વિગતવાર સમજાવતા જણાવ્યું હતું કે, ગામના વિકાસનો પાયો ગ્રામસભા દ્વારા જ નક્કી થતો હોય છે અને ગ્રામ પંચાયતના સર્વે સર્વા સરપંચ જ છે અને તેમને તમામ અધિકારો મળેલા છે. તેમણે વધુમાં ગ્રામસભા દ્વારા મંજુર કરાયેલા પ્લાનને ‘સબકી યોજના સબકા વિકાસ-2022-23′ માં લાગુ કરવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રારંભમાં આટિયાવાડ ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી ઓમપ્રકાશ યાદવ દ્વારા ગ્રામસભાની કાર્યસૂચી મુજબ ગત વર્ષનો ફિઝીકલ પ્રોગ્રેસ, ફંડ યુટીલાઈઝેશન, ચાલુ વર્ષની યોજનાઓનું અમલીકરણ તથા અગામી વર્ષના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપીહતી. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન પંચાયતીરાજ દ્વારા નક્કી કરવામાં આવેલ 29 વિષયો / યોજના હેઠળ તૈયાર કરી ગ્રામસભામાં ગ્રામજનોની સાથે ચર્ચા-વિચારણા કરી આટિયાવાડ ગ્રામ પંચાયતના વિકાસ માટે મંજુર કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામસભાને તોફાની બનાવવા પણ કોશિષ થઈ હતી પરંતુ દમણના બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણાની દરમિયાનગીરી અને સમયસૂચકતાથી આટિયાવાડ ગ્રામ પંચાયતની ગ્રામસભા વિકાસના વિશ્વાસ સાથે સંપન્ન થઈ હતી.