-
દેશના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકી ગટરની ચેમ્બરના હોલમાંથી કચરો કાઢવા માટેનું પહેલું રોબોટ મશીન દાનહ પ્રશાસનના હસ્તક
-
બે વર્ષ પહેલાં ડોકમરડી ગૌશાળા રોડ પર ઊંડી ગટરના ચેમ્બર સફાઈ કરવા માટે ઉતરેલા બે મજૂરોના ગેસની ગુંગળામણથી મોત થયા હતાઃ પ્રશાસને પાલિકા વિસ્તારમાં ચેમ્બર સાફ-સફાઈ માટે ખાસ રોબોટની ખરીદી કરી સમસ્યાનું કરેલું નિરાકરણ
-
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી શરૂ કરવામાં આવેલ ‘સ્વચ્છ ભારત’ અભિયાન અંતર્ગત સેલવાસ શહેરને સ્વચ્છ સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા માટે નગરપાલિકા દ્વારા વિવિધ ઉપક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત દાનહ દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં અને સી.ઓ.ના નેતૃત્વમાં પાલિકાની સિવરેજ લાઈનમાં બનેલ મેઈનહોલ ચેમ્બરનો કચરો કાઢવા માટે અને પૂર્ણ રૂપે ગટર સાફ કરવા માટે બેન્ડીકુલ રોબોટિક મશીનની ખરીદી કરવામાં આવેલ છે. અગાઉ ખુલ્લી ગટરો કોતરોમાંથી કચરો અને કાદવ કાઢવાની કામગીરી મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. તે કામ હવે રોબોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ ડોકમરડી ગૌશાળા રોડ પર ઊંડી ગટરની ચેમ્બર સફાઈ કરવા માટે મજૂરોઉતર્યા હતા, તેઓને ગેસની અસર થતાં બે મજૂરોનું મોત થયું હતું. જેથી પ્રશાસન દ્વારા પાલિકા વિસ્તારમા ચેમ્બરોની સાફ-સફાઈ માટે ખાસ રોબોટની ખરીદી કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા આ મેઈનહોલ ચેમ્બર 100 ટકા મશીનરીથી સાફ-સફાઈ કરવા માટે રોબોટ ખરીદવામાં આવેલ છે. દેશના દરેક કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી પહેલા દાનહમાં સેલવાસ નગરપાલિકામાં ઉપલબ્ધ થયેલ છે. જેનો ઉપયોગ આ વર્ષે ચેમ્બર સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. જેના માટે કર્મચારીઓને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.
સેલવાસ નગરપાલિકા દ્વારા જે રોબોટ મશીન ખરીદવામાં આવેલ છે એ ‘મેક ઈન ઇન્ડિયા’ અંતર્ગત ચાર એન્જિનીયર વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડીકુટ રોબોટ બનાવવામાં આવેલ આ મશીન એક વખતમાં કૂડો-કચરો કાઢવાની ક્ષમતા 125 કિલોગ્રામ છે. અને તે 8 મીટર ઊંડાઈ સુધી સફાઈ કરી શકે છે. આ મશીન ઝેરી ગેસને પણ ડિટેક્ટ કરી શકે છે. આ મશીન નાઈટ વિઝન કેમેરો પણ લગાવવામાં આવેલ છે જેનાથી મેઈન હોલની અંદરનું દ્રશ્ય જોઈ શકે છે. આ આખું મશીન એક સોક્ટવેરના માધ્યમથી સંચાલિત થાય છે. આ મશીનનું પેટર્ન કરાવવામાં આવેલ છે, દેશના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા એની ખરીદી કરવામાં આવેલ છે જેની અંદાજીત કિંમત 39લાખ રૂપિયા છે. આ મશીનના ઉપયોગથી ઘણી રાહત થઈ ગઈ છે અગાઉ ચેમ્બરોમાં કામદારોને ઉતારવા પડતા હતા જે હવે આ રોબોટ મશીન દ્વારા કામગીરી થઈ રહી છે.
