ઈકો ફ્રેન્ડલી મુક્તિધામ હોવાથી 9,52,600 કિલો લાકડાની બચત થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: છ વર્ષ પૂર્વે તા.27મે 2017 ના રોજ વાપી યુપીએલ મુક્તિધામનું લોકાર્પણ કરાયું હતું. મુક્તિધામના 6 વર્ષ પૂર્ણ થયા છે તે અંતર્ગત મુક્તિધામ કમિટીની મિટીંગ મુક્તિધામમાં યોજાઈ હતી. જેમાં 6 વર્ષ વર્કિંગની કમિટીએ સમિક્ષા કરી હતી.
ગત તા.27મે 2017ના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રસાયણ, ખાતર, શિપિંગ, માર્ગ પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે વાપી મુક્તિધામ જાહેર જનતાને લાભ માટે લોકાર્પણ કરાયું હતું. વી.આઈ.એ. દ્વારા સંચાલિત મુક્તિધામ ચેરીટેબલટ્રસ્ટ દ્વારા અત્યંત આધુનિક ઈકો ફ્રેન્ડલી મુક્તિધામ કાર્યરત છે. મુક્તિધામમાં અત્યાર સુધી 4763 જેટલા મૃતદેહોનો અગ્નિ સંસ્કાર થયો છે. જેને કારણે લગભગ 9,52,600 કિ.ગ્રા. લાકડાની બચત થઈ છે. 6 વર્ષ પૂર્ણ થયા મિનિત્તે મુક્તિધામમાં સંચાલક મંડળ (ટ્રસ્ટીઓ)ની મિટિંગ યોજાઈ હતી. કામગીરીની સમિક્ષા થઈ હતી. જેમાં જુની ઈલેક્ટ્રીક ભઠ્ઠીનું નવિનિકરણ, તેમજ મુક્તિધામમાં આવેલ સભાખંડમાં ઈકો પ્રુફ સિસ્ટમ લગાવાશે. મિટિંગમાં મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટી, પ્રમુખ, વી.આઈ.એ. એડવાઈઝરી બોર્ડના મેમ્બર યોગેશ કાબરીયા, ટ્રસ્ટ માનદમંત્રી તુષાર શાહ, માનદમંત્રી મગનભાઈ સાવલીયા, વી.આઈ.એ. પ્રમુખ નોટિફાઈડ ચેરમેન સતિષ પટેલ, પૂર્વ વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.