દાદરા નગર હવેલીના તરંગ મનહરભાઈ જાદવે એલ.સી.-એમ.એસ./એમ.એસ. આધારિત માપન દ્વારા ‘‘બિક્ટેગ્રાવિર અને અકાલાબ્રુટિનિબ વચ્ચે ટ્રાન્સપોર્ટર મધ્યસ્થ ક્રિયા-પ્રતિક્રિયાનો અંદાજ” વિષય પર અભ્યાસ કરીને મેળવી પી.એચ.ડી.ની ડિગ્રી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખરડપાડા ગામના શ્રી તરંગ મનહરભાઈ જાદવે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઇપર)-અમદાવાદમાંથી ફાર્માસ્યુટિકલ વિશ્લેષણમાં પી.એચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના સંશોધનનો મુખ્ય હેતુ ‘‘બિક્ટેગ્રાવિરના ઈફલક્સ ટ્રાન્સપોર્ટર્સ પરના પ્રભાવને જન્ય અને પ્રોટીન” સ્તરે અવલોકન કરવાનો હતો. તેમણે પી-જીપી, બીસીઆરપી અને એમઆરપી-1 જેવા ટ્રાન્સપોર્ટર્સ પર બિક્ટેગ્રાવિરના પ્રેરક પ્રભાવનું વિશ્લેષણ એલસી-એમએસ અને ક્યુઆરટી-પીસીઆર પદ્ધતિથી કર્યું. આ સંશોધનમાં બિક્ટેગ્રાવિરના 7 દિવસના સતત ડોઝ પછી પી-જીપી,બીસીઆરપી અને એમઆરપી-1 ટ્રાન્સપોર્ટર્સના જન્ય અને પ્રોટીન સ્તરે ફેરફારો નોંધાયા. ખાસ કરીને બીસીઆરપી પ્રોટીનના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો, જ્યારે પી-જીપી અને એમઆરપી-1 ટ્રાન્સપોર્ટર્સમાં વિશિષ્ટ પરિવર્તન જોવા મળ્યા નથી. આ સંશોધનથી બિક્ટેગ્રાવિરના ઉપયોગથી થેરાપી કાર્યક્ષમતામાં થયેલા ફેરફારો અને તેની અસર પર નવી સમજ મળી છે, જે મુખ્યત્વે એચ.આઇ.વી. અને એચ.આઇ.વી. સાથે કેન્સર ધરાવતા દર્દીઓ માટે થેરાપી વિકસાવવામાં મદદરૂપ થઈ શકે છે. શ્રી તરંગ જાદવનો આ અભ્યાસ વૈજ્ઞાનિક સમુદાય માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. હાલમાં તેઓ વોશિંગ્ટન યુનિવર્સિટી ઇન સેન્ટ લૂઇસ ખાતે પોસ્ટ-ડૉક્ટરેટ તરીકે પ્રવેશ મેળવીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા છે.
શ્રી તરંગ જાદવે મેળવેલી સિદ્ધી બદલ સમાજ સહિત સમગ્ર સંઘપ્રદેશનું ગૌરવ વધાર્યું છે.