11687 માંથી 7380 વિદ્યાર્થીઓ પાસ થયા, 4355 વિદ્યાર્થીઓ નાપાસ થયા
જિલ્લાના 13 કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ ફણસવાડા કેન્દ્રનું 76.16 ટકા અને સૌથી ઓછું કરવડ કેન્દ્રનું 39.68 ટકા નોંધાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તા.31 મેના જાહેર થયું હતું. જેમાં વલસાડ જિલ્લાનું પરિણામ 63.16 ટકા આવ્યું છે. જિલ્લામાં એ-1 ગ્રેડમાં પાંચ, એ-2 ગ્રેડમાં 139, બી-1માં 595, બી-2 માં 1423, સી-1 માં 2370, સી-2 માં 2385, ડી ગ્રેડમાં 463 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ઈ-1 માં બે અને એન-આઈ(નીડ ઈમ્પ્રુવમેન્ટ) માં 4353 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. જેથી 11687 માંથી 7380 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે 4355 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.
વલસાડ જિલ્લામાં 13 કેન્દ્રો ઉપર પરીક્ષામાં વલસાડ જિલ્લામાં કુલ 11735 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 11687વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ 13 કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ ફણસવાડા કેન્દ્રનું આવ્યું છે. આ કેન્દ્ર ઉપર 172 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે તમામ 172એ પરીક્ષા આપી હતી અને 131 વિદ્યાર્થીઓ પાસ થતા ફણસવાડા કેન્દ્રનું પરિણામ 76.16 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ કરવડ કેન્દ્રનું 39.68 ટકા આવ્યું છે. કરવડ કેન્દ્રમાં 696 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 683એ પરીક્ષા આપતા માત્ર 271 વિદ્યાર્થી પાસ થયા હતા.
જિલ્લાના કેન્દ્રોની વિગતવાર માહિતી જોઈએ તો, વલસાડ કેન્દ્રનું 75.38 ટકા, વાપી 66.95 ટકા, ધરમપુર 57.13 ટકા, પારડી 62.11 ટકા, અટાર 61.45 ટકા, ઊંટડી 63.52 ટકા, સરીગામ 55.04 ટકા, નારગોલ 67.66 ટકા, રોણવેલ 50.15 ટકા, નાનાપોંઢા 71.33 ટકા અને કપરાડા કેન્દ્રનું 72.66 ટકા પરિણામ નોંધાયું છે.