સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક અને વિવિધ 67 વિષયોના વિષય નિષણાંત માર્ગદર્શન માટે રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડ કલેકટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિકસંકુલોમાં આગામી માર્ચ-2024 માં ધો-10 અને ધો-12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. જેથી સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા,ચિંતા, ઉન્માદ અનુભવતા હોય છે. આ પ્રકારના લક્ષણો અને મૂંઝવણ નિવારવા તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત તેમજ હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિન્હરૂપ જાહેર પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમૈષ દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના વરદ હસ્તે તા.03/12/2024થી 15/03/2024 સુધી આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
આ હેલ્પલાઇનમાં વલસાડ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સકશ્રી વિરેન્દ્ર સોલંકી તેમજ વિવિધ 67 વિષયોના વિષય નિષણાંત માર્ગદર્શન માટે રહેશે. ધો-10 તેમજ ધો-12 સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહના વિવિધ વિષયોના જે વિષય શિક્ષકોની સ્વેચ્છાએ આ હેલ્પલાઇન થકી આ ભગીરથ કાર્ય માટે સમંત થયા છે તે વિષય નિષ્ણાંતોના ફોન નંબર સાથેની યાદી શાળાના નોટીસ બોર્ડ પર પણ ઉપલબ્ધ મળશે. વિદ્યાર્થી અને વાલીઓને આત્મવિશ્વાસ હેલ્પલાઇનનો ઉપયોગ કરી વિદ્યાર્થીને મુઝવતા પ્રશ્નો માટે માર્ગદર્શન મેળવવા વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરાઈ છે.
આત્મવિશ્વાસ હેલ્પલાઇન‘‘મેરીલ એકેડમી વાપી” ખાતે તા.03/12/2024ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી વલસાડ ડો.રાજેશ્રીબેન એલ. ટંડેલના માર્ગદર્શનમાં ‘‘મા ફાઉન્ડેશન” વાપીના સહયોગથી યોજવામાં આવ્યો હતો.