(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: ચીખલી વાંસદા રાજય ધોરીમાર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વિજપોલ ન ખસેડાતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
ચીખલી વાંસદા રાજ્યધોરી માર્ગ ઉપર ખાસ કરીને ચીખલી હાઈવે ચાર રસ્તાથી રાનકુુવા સુધીની લંબાઈના ટ્રાફિક ભારણ વધુ રહે છે. અને હાઈવે ચાર રસ્તાથી કોલેજ સર્કલ વચ્ચે તો પિક અવર્સમાં અન્ય વાહન ચાલકોને મુશ્કેલી ન સર્જાઈ અને ટ્રાફિકજામ ન થાય તે માટે ભારે વાહનોની અવર-જવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
આ પ્રકારની સ્થિતિમાં આ માર્ગ ઉપર થાલા બગલાદેવ સર્કલથી આગળ કોલેજ તરફ જતા બે જેટલા વિજપોલ વાહન વ્યવહારમાં અવરોધરૂપ છે. આ નડતરરૂપ વિજપોલના કારણે આ સ્થળે માર્ગની પહોળાઈ પણ પૂરતી નથી જેને લઈને ઘણીવાર આ વિસ્તારમાં ઘણીવાર ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે. અને ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે. અને વાહન ચાલકોમાં સતત અકસ્માતનો ભય રહેતો હોય છે.
ઉપરોક્ત સંજોગોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વીજ કંપની સાથે જરૂરી સંકલન સાધી આ નડતરરૂપ વિજપોલો ખસેડવાની તજવીજ હાથ ધરે તે જરૂરી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા અગાઉ લાખો રૂપિયાના ખર્ચે માર્ગનું વિસ્તુતિકરણ કરવામાંઆવ્યં હતું. અને ડિવાઈડર પણ બનાવવામાં આવી હતી. પરંતુ આવા નડતરરૂપ વિજપોલો ન ખસેડાતા માર્ગના વિસ્તુતિકરણનો પણ મતલબ રહેતો નથી અને વાહન ચાલકોની સમસ્યા દૂર થતી નથી. ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા સત્વરે આ નડતરરૂપ વિજપોલો ખસેડવાની કાર્યવાહી કરે તે જરૂરી છે.
માર્ગ મકાન ચીખલીના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્યાનુસાર થાલા બગલાદેવ આગળ કોલેજ રોડ ઉપર નડતરરૂપ વિજપોલ ખસેડવા માટે વીજ કંપનીમાં નાણાંની પણ ભરપાઈ કરવામાં આવી હતી. પરંતુ વીજ કંપની દ્વારા જગ્યાના અભાવે ખસેડી શકાય તેમ ન હોવાનો જવાબ રજૂ કરેલ છે. ત્યારે હવે કોઈ બીજો વિકલ્પ ચકાસવા પડશે.
Previous post