(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ શિક્ષણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીના ગોરાતપાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા આઇ.પી.એસ. અધિકારી શ્રી પિયુષ નિરાકર ફુલઝેલેની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં ધોરણ 1માં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓને રંગબેરંગી સુશોભનથી સજાવેલ ગાડીઓમાં બેસાડી ગામમાં શોભાયાત્રા રૂપે ફેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ સરસ્વતી માતાની પ્રતિમાનું પૂજન કરી વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી. મુખ્ય અતિથિ દ્વારા નવા પ્રવેશ મેળવનાર ધોરણ1ના બાળકોને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધોરણ 6થી 10સુધીના પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા આઇ.પી.એસ. અધિકારી શ્રી પિયુષ નિરાકર ફુલઝેલેએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે જાણકારી આપી હતી. તેમણે વાલીઓને જણાવ્યું હતું કે, એમના બાળકોને શિક્ષણમાં કંઈપણ ઓછું પડવા દેતા નહીં, તેમણે શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલ કાર્યોની સરાહના પણ કરીહતી.
આઇ.પી.એસ. અધિકારી શ્રી પિયુષ નિરાકર ફુલઝેલેએ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી પ્રતિભાવાન બને એના માટે હંમેશા પ્રયાસ કરતા રહેવું જોઈએ.
આ અવસરે બી.આર.પી. શ્રી ગણેશ મોરે, મુખ્ય શિક્ષક શ્રી રાજેશ દેસાઈ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી વિજય માહલા, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.