ફાયર ફાઈટરોની 12 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સેલવાસના ડોકમરડી આમલી વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સિન્થેટીક્સ કંપનીના બંધ પ્લાન્ટમાં મોડી રાત્રે એક વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર આગ ફાટી નિકળી હતી. જેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. કંપની સંચાલકો દ્વારા ફાયર વિભાગને ફોન કરતા તાત્કાલિક ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વિકરાળ બનેલી આગને કાબુમાં લેવા સેલવાસ, ખાનવેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મળી કુલ 8 જેટલા આગ ઓલવવાના બમ્બાઓ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયર ફાઈટરોની બાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ વિભાગની ટીમ સહિત પ્રશાસનની ટીમ પણ પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાની ઘટના બનવા પામેલ નથી. ફાયરની ગાડીઓને પીડબ્લ્યુડી અને સેલવાસ નગરપાલિકા વિભાગના ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 3 જૂનના રોજ આ જ કંપનીમાં આગ લાગીહતી. ત્યારબાદ હાલમાં પ્લાન્ટ બંધ હતો જેમાં થોડો ભાગ બચ્યો હતો અને હવે તેમાં પણ આગ લાગતા આખી કંપની બળીને ખાખ થઈ જવા પામી છે.