આરોપીઓએ જુદી જુદી જગ્યાએથી મોબાઈલ સ્નેચિંગ કરેલાની કબુલાત કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી જીઆઈડીસી પોલીસે બે મોબાઈલ ચોર પકડવાની સફળતા મળી હતી. પોલીસે મોબાઈલ ચોરો પાસેથી ચોરીના સાત મોબાઈલ કબજે કર્યા હતા તેમજ તેમની પાસે રહેલી બે મોટર સાઈકલ પણ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાપી જીઆઈડીસી વિસ્તારમાં વારંવાર મોબાઈલ સ્નેચિંગની વધી રહેલી ઘટનાઓ બાદ જીઆઈડીસી પોલીસ એલર્ટ મોડમાં હતી. ઠેર ઠેર પેટ્રોલીંગ વધારી દીધું હતું. આજે પોલીસે શંકાસ્પદ લાગતા બે યુવાનોને ચાર રસ્તા નજીક અટકાવી પૂછપરછ કરતા જવાબ આપતા ગેગે ફેફે થઈ ગયા હતા. તેથી પોલીસને શંકા જતા બન્ને યુવાનોને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ કરતા આરોપીઓ પાસેથી ચોરીના 7 મોબાઈલ મળી આવ્યા હતા તેમજ જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઈલ સ્નેચિંગ કર્યા હોવાની કબુલાત પણ કરી હતી.