વલસાડ શહેરમાં નિચાણવાળા ભાગો પાણીમાં ગરકાવ :
મોગરાવાડી અંડરપાસ બંધ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: વલસાડ શહેરમાં વિતેલ મંગળવારે રાતભર પડેલા ધોધમાર વરસાદથી શહેરના નિચાણવાળા ભાગોમાં ઢીંચણથી કેડ સમા પાણી ભરાઈ જતા જનજીવન પારાવાર મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યું છે.
વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદે જિલ્લાના અનેક વિસ્તારોમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તેમાં સૌથી વધુ બેહાલી વલસાડ શહેરમાં સર્જાઈ છે. શહેરના ઘણા બજાર, મોગરાવાડી જેવા વિસ્તારો વરસાદમાં પાણીથી તરબતર થઈ ચુક્યા છે. વલસાડની હોટલાઈન ગણાતું મોગરાવાડી રેલવે અંડરપાસ ત્રણથી ચાર ફૂટ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન અવરજવર બંધ થવાની નોબત ઉભી થઈ છે. તો શહેરના અન્ય નિચાણવાળા રહેઠાણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન શહેરની બેહાલી થકી પ્રભાવિત થઈ ચુક્યુ છે. હજુ તો વરસાદનો પ્રથમ રાઉન્ડ જ શરૂ થયો છે ત્યાં અડધુ શહેર વરસાદી પાણીમાં તરતુ હોય તેવી બુમાબુમ આમ નાગરિકો કરી રહ્યા છે. પાલિકા તંત્ર શહેરમાં તમામ મોરચે નિષ્ફળ નિવડયાનો જીવંત પુરાવો વલસાડ શહેરની હાલત જ પુરો પાડી રહેલ છે.