(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા ‘‘હિન્દી પખવાડા” અંતર્ગત ‘હિન્દી વક્તૃત્વ’ સ્પર્ધાનું આયોજન સેલવાસ નગરપાલિકાના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સ્નાતક વર્ગ, કર્મચારી વર્ગ તથા ખાનગી એકમો-સંસ્થાઓ અંતર્ગત આપવામાં આવેલા વિષયો ઉપર પ્રશાસનના વિવિધ વિભાગો, શાળાઓ તથા કોલેજોમાંથી ઉપસ્થિત રહેલા સ્પર્ધકોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.
અત્રે આયોજીત હિન્દી વક્તૃત્વ સ્પર્ધામાં શિવ પ્રકાશ શાળાના આચાર્ય ડૉ. પ્રેમિલા ઉપાધ્યાય, કવિ અને લેખક શ્રી રાકેય રાય તથા રાજભાષા અધિકારી(એલ.આઈ.સી.) શ્રીમતી પિંકી ખીમનાની નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેના ઉપલક્ષમાં ત્રણેય નિર્ણાયકોએ દાદરા નગર હવેલીમાં રાજભાષા હિન્દીના વિકાસ પર ચર્ચા કરતા તમામ સ્પર્ધકોને શુભકામના પાઠવી હતી. આ અવસરે કવિ અને લેખક શ્રી રાકેશ રાયે તેમની કવિતાઓની પ્રસ્તૂતિ કરી હતી. જ્યારે ડૉ. અનિતા કુમારે કાર્યક્રમનું સંચાલન કરતા હિન્દી વક્તૃત્વ સ્પર્ધાના પરિણામની જાહેરાત કરી હતી. આ સ્પર્ધામાં સ્નાતક વર્ગ, કર્મચારી વર્ગ તથા બિનસરકારી વર્ગના સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.