સોસાયટીની મહિલાઓના વોટ્સએપ ગ્રુપમાં કૂતરાઓને ઝેર આપી મારી નાખ્યા હોવાનો મેસેજ ફરતા ચકચારઃ ખબર વાયુવેગે પ્રસરી જતાં ફટાફટ મેસેજો ડીલીટ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: ગુજરાતના વલસાડ જિલ્લાને અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય મથક એવા સેલવાસના ભસતા ફળિયામાં ગુરુદેવ ફેસ-2, સોસાયટીમાં કોઈક વ્યક્તિએ ઝેરયુક્ત ખોરાક ખવડાવતા પાંચથી વધુ ગલુડિયાં સહિત તરુણ કૂતરાઓના મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાથી પશુપ્રેમીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરુદેવ ફેસ-2, સોસાયટીની મહિલાઓના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતો હતો કે સોસાયટીમાં ફરી રહેલા કૂતરાઓને ઝેરયુક્ત ખોરાક ખવડાવીને મારી નાખીએ, જેથી રાત્રી દરમ્યાન જ કોઈકે કૂતરાઓને ઝેરવાળો ખોરાક ખવડાવી દીધો હતો. જેના કારણે સવાર સુધીમાં આઠમાંથી પાંચ ગલુડિયા સહિત તરૂણ કૂતરાઓના મોત થયા હતા અને ત્રણની હાલત હાલમા નાજુક હતી. આ સમગ્ર ઘટના સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં સોસાયટીમાં દોડધામ મચી જવા પામીહતી, અને તાત્કાલિક સોસાયટીની મહિલાઓના વોટ્સએપ ગ્રુપમાં વહેતો કરેલો મેસેજ પણ ડીલીટ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ ઘટના અંગે સોસાયટીના રહીશ શ્રી સંતોષ પાંડેને થતાં જાણ થતાં તેઓએ તાત્કાલિક અબોલ પ્રાણીઓની સેવા કરતી એન.જી.ઓ.ના સભ્યોને બોલાવ્યા હતા અને ઝેરી ખોરાક આરોગેલા તમામ કૂતરાઓને પશુ દવાખાને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પાંચ જેટલા ગલુડિયાંઓના મોંઢામાંથી લોહીની ઉલ્ટી આવતી હતી જેના કારણે તેમના સ્થળ પર જ મોત થઈ ગયા હતા જ્યારે ત્રણને હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઈ જવામાં આવ્યા હતા, જેઓની સારવાર બાદ પરત સોસાયટી ખાતે લાવવામાં આવ્યા હતા. હાલમાં આ ત્રણ કૂતરાઓની પણ હાલત એકદમ નાજૂક હોવાનું આ લખાય છે ત્યાં સુધી જાણવા છે.