તોડબાજ પત્રકાર ગેંગના ક્રિષ્ણા ઝા, સોનિયા ચૌહાણ અને સેમ શર્માએ તબીબ પાસે ફોરચ્યુનર કાર માગી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લા સહિત ગુજરાતભરમાં તોડબાજીના નામે ચર્ચાના એરણે ચડેલા તોડબાજ ત્રણ પત્રકાર ગેંગ વિરૂધ્ધ વાપી ટાઉન પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એક તબીબ પાસે પાંચ લાખની ખંડણી, ફોરચ્યુનર કાર માગી ધાક ધમકી આપતા વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તબીબને પત્રકાર ગેંગે મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે બોલાવી અન્ય 12 લોકોના નામે રૂા.1.80 લાખ પડાવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
વાપી ટાઉન પોલીસમાં તોડબાજ પત્રકાર લક્ષવેદ્ય પેપર યુટયુબ ચેનલનો ક્રિષ્ણા ઝા, ડેર ટુ શેયર ન્યુઝ પેપર, પબ્લીક વોઈસ યુટયુબ ચેનલની સંધ્યા ઉર્ફ સોનીયા ઝા, દાનહ ન્યુઝ ટયુબ ચેનલની સેન શર્મા વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 386, 504, 506(2) 114 મુજબ એક બીજી ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર આ પત્રકાર ત્રિપુટી એક તબીબના ક્લિનિકમાં જઈ શુટીંગ કરી ક્લિનિકનું સ્ટીંગ ઓપરેશન કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીહતી. જાનથી મારી નાખવાની ધમકી, ફોરચ્યુનર કાર, રૂા.5 લાખ લઈને મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીની ઓફિસે આવવા જણાવેલ. ત્યાં સમાધાન થશે. તબીબ પાસે ગાડી આપી શકવાની ત્રેવડ નહોતી. તબીબે આજીજી કરી આખરે રૂા.5 લાખની જગ્યાએ 1.80 લાખ રૂપિયા ક્રિષ્ણા ઝાને આપેલા ત્યારે કહેલું અમે 12 જણા છીએ, વધુ રૂપિયા જોઈએ, અહીં પણ તબીબને ધમકી આપવામાં આવી હતી. આ તોડબાજ પત્રકારો વિરૂધ્ધ તાજેતરમાં ફરિયાદ નોંધાઈ હતી તેથી તબીબે હિંમત કરી વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આગામી સમયે વાપી, વલસાડ, સેલવાસમાં આ ગેંગે બીજી તોડબાજી કરી હશે તો વધુ ફરિયાદો નોંધાય તો નવાઈ નહીં. વધુ ક્ષોભજનક બાબત તો એ છે કે, તાજેતરમાં નવીન સ્થાપના કરાયેલ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના આ ત્રણે કથિત પત્રકારો ટ્રસ્ટના હોદ્દેદાર પણ છે. સોનીયા ચૌહાણ સેક્રેટરી, ક્રિષ્ણા ઝા ટ્રેજેરર અને સેમ શર્મા જો. ટ્રેજેરર હતા. પરંતુ ફરિયાદ નોંધાતા ટ્રસ્ટમાંથી ત્રણેયને હાંકી કઢાયેલ છે.