સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના આરોગ્ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્પિટલમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાત્રી દરમિયાન હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની વિગત એવી રીતની છે કે, શહેરના આરોગ્ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્પિટલમાં એક યુવતીને ગર્ભપાત કરાવવા સારું યુવતી માનવ ગાયનેક હોસ્પિટલમાં પહોંચી હતી અને ડોક્ટર દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ ખાનગી બાતમીને આધારે આરોગ્ય વિભાગે રાત્રી દરમિયાન માનવ ગાયનેક હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા માનવ ગાયનેક હોસ્પિટલના ડોક્ટર મુશ્કેલીમાં મુકાયા હતા અને ગર્ભપાત કરવાની કાર્યવાહીથી દૂર થયા હતા. આરોગ્ય વિભાગની ટીમ રાત્રી દરમિયાન તપાસ હાથ ધરતા માનવ ગાયનેક હોસ્પિટલના સોનોગ્રાફી મશીન તેમજ રેકર્ડ ચેક કરવામાં આવ્યા હતા.
આ અંગે માનવ ગાયનીક હોસ્પિટલના ડોક્ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આવો કોઈ જ બનાવ બન્યો નથી તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયાએજણાવ્યું હતું કે રાત્રી દરમિયાન માનવ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરતા હોય તેવી બાતમી મળી હતી જે અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી હતી
સમગ્ર મામલે ખાનગી બાતમીદારે જણાવ્યું હતું કે, શહેરના આરોગ્ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્પિટલમાં અપરિણીત યુવતીને ગર્ભપાત માટે દાખલ કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા સારવાર પણ ચાલુ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલમાં પહોંચી હતી અને માત્ર ને માત્ર હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન તેમજ રેકર્ડ ચેક કરી સંતોષ માનવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે હિંમતનગર તાલુકા હેલ્થ ઓફિસર સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. રોષે ભરાયેલા બાતમી દારે આરોગ્ય વિભાગની નિષ્ફળ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
હવે જોવાનું રહ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.