દમણ પ્રખંડના વર્તમાન અધ્યક્ષ સમિપભાઈ સુરવેની વલસાડ જિલ્લાના સહમંત્રી પદે કરાયેલી નિમણૂક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : આજે દમણમાં યોજાયેલ વિશ્વ હિન્દુ પરિષદની વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષ દરમિયાન થનારા કાર્યોની ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના વલસાડ જિલ્લામાં 11 પ્રખંડોની સમિતિઓનો સમાવેશ છે.
આજની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના મુખ્ય કાર્યક્રમો અખંડ ભારત સંકલ્પ દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી સ્થાપના દિવસ તથા સેવા સપ્તાહ જેવા કાર્યક્રમો ઉપર માર્ગદર્શક ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. સંગઠન આ વર્ષે ષષ્ઠીપૂર્તિ 60મા વર્ષમાં પદાર્પણ કરવા જઈ રહ્યું છે. તેથી ષષ્ઠીપૂર્તિની વિશેષ ઉજવણીની બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકની કાર્યવાહી ક્ષેત્રિય ધર્મચાર્ય પ્રમુખ શ્રી ધીરૂભાઈ કપુરીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના કોષાધ્યક્ષ શ્રી દિનેશભાઈ નહાર, બજરંગ દળના સહ સંયોજક શ્રી મયુરભાઈ કદમ, વલસાડ જિલ્લાના મંત્રી શ્રી અમિતભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહની સાથે અન્યઅધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સમિતિમાં થનારી ફેરબદલીની પણ ઘોષણા કરવામાં આવી હતી. દમણ પ્રખંડના વર્તમાન અધ્યક્ષ શ્રી સમિપભાઈ સુરવેને વલસાડ જિલ્લાના સહમંત્રીના પદ ઉપર પસંદગી કરવામાં આવી હતી. દરેક કાર્યકર્તાઓએ અગામી યોજનાઓને સફળ બનાવવા માટે પ્રણ લીધો હતો અને પોતાનું સમર્પણ વ્યક્ત કર્યું હતું.