જમીન માલિકોને બ્લેકમેઈલિંગ કરવાના ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાં ચાલી રહેલા ષડ્યંત્ર સામે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ‘સીટ’નું ગઠન કરી શકે છેઃ 4 થી 5 જેટલા ઈસમો પણ શંકાના દાયરામાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.26 : ઉમરગામ તાલુકાના અચ્છારી ગામ ખાતે આવેલ 73 વર્ષની વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવા માટે સુરતના ગુંડાઓને આપેલી સોપારીની ઘટનામાં ઉમરગામના ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય શંકરભાઈ વારલીને પોલીસ તરફથી તેડું આવતાં આ પ્રકરણ રસપ્રદ મોડ લેવા તરફ જઈ રહ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય શંકરભાઈ વારલી સાથે 4 થી 5 જેટલા ઈસમો સામે પણ તવાઈ આવવાની શક્યતા જોવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉમરગામ તાલુકાના અચ્છારી ગામના મૂળ રહેવાસી શ્રીમતી લીનાબેન શાંતિલાલ શાહ પોતાના બાપ-દાદાના સમયથી ચાલી આવેલ જમીનના માલિક તરીકે છે. મૂળ અચ્છારી અને હાલમાં બેંગલોર રહેતાં 73 વર્ષિય વયોવૃદ્ધ લીનાબેન શાંતિલાલ શાહની જમીન પડાવી લેવા માટે તાલુકાના સ્થાનિકતલાટીઓ અને મંત્રીઓ સાથે સેટિંગ કરી ગણોતિયા તરીકે એક આદિવાસીનું ખોટું નામ દાખલ કરાવાયું હતું. જેનો કેસ હાઈકોર્ટમાં પડતર હોવા છતાં સુરતના ગુંડાઓને બોલાવી ધાકધમકી અને ભયનું વાતાવરણ પેદા કરી જમીનનો કબ્જો લેવા કોશિષ કરાઈ હતી. જેના સંદર્ભમાં ભિલાડ પોલીસ સ્ટેશનમાં 11 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જેના અંતર્ગત કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય શંકર વારલીની પૂછપરછ માટે ભિલાડ પોલીસે કાર્યવાહી કરી હોવાની માહિતી સાંપડી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે જમીનદારોની થતી પજવણીને ખુબ જ ગંભીરતાથી લઈ ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાં લેન્ડમાફિયાઓના ઈશારે રાજકીય આગેવાનો અને ગુંડાગીરીની મદદથી જમીન હડપવા થઈ રહેલા કારસ્તાન સામે એસ.આઈ.ટી.ના ગઠન અંગે પણ વિચારણાં થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, ભિલાડ પોલીસે બતાવેલી અસરકારકતાથી ખેડૂતોને બ્લેકમેઈલ કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.