તાલુકા પંચાયત સભ્યની લેખિત રજૂઆત બાદ વન વિભાગ દ્વારા નડતરરૂપ વૃક્ષો દૂર કરાયાઃ તાજેતરમાં જ બે એસટી બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.30: ચીખલી-ફડવેલ-ઉમરકુઈ માર્ગ ઉપર ખુડવેલ વળાંક પાસે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા ફડવેલના તાલુકા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ દ્વારા સામાજિક વનીકરણમાં લેખિત રજૂઆત કરી જણાવાયું હતું કે, ખુડવેલ ચાર રસ્તાથી ફડવેલ તરફ જતા રસ્તાની બાજુમાં મોટા ઝાડો આવેલ છે. સદર ઝાડોને કારણે વારંવાર અકસ્માતો થાય છે. હાલમાં 18મી જુલાઈના રોજ સવારના સમયે સામ સામે બસ અથડાતા એક ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. અને 35-જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી. આ રસ્તા પર અત્યાર સુધીમાં 15 થી 20જેટલા અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યો છે. આ જગ્યાએ ઝાડોના કારણે વળાંકમાં આગળનો રસ્તો દેખાતો ન હોવાથી વારંવાર અકસ્માત થતા રહે છે. ભવિષ્યમાં ગંભીર અકસ્માતો ન થાય, જાનહાની ટાળી શકાય તે માટે આ નડતરરૂપ ઝાડો દૂર કરવા જરૂરી છે.
તાલુકા સભ્ય શ્રી મહેશભાઈની રજૂઆતને પગલે વન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે આ નડતરરૂપ વૃક્ષો દૂર કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી.