ટ્રક ચીખલીથી ભરી વલસાડમાં આવતા મણીબાગ
સોસાયટી પાસે ઘટેલી ઘટના
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: અકસ્માતની કોઈ વ્યાખ્યા હોતી નથી. ક્યાં, ક્યારે અને કેવો અકસ્માત થાય તેનું કોઈ ભાવિ હોતુ નથી. કંઈક એવો અકસ્માત આજે ગુરૂવારે વલસાડમાં અબ્રામા-ધરમપુર રોડ ઉપર બન્યો હતો. કપચી ભરેલી ટ્રકનું ટાયર અચાનક ચાલુ ટ્રકે નિકળી જતા ટ્રક ઘટના સ્થળે પટકાઈ બંધ પડી ગઈ હતી.
વલસાડ અબ્રામા ધરમપુર રોડ ઉપર મણીબાગ સોસાયટી પાસે આજે સવારે 10 વાગ્યાના સુમારે વિચિત્ર લેખાવી શકાય તેવો અકસ્માત થયો હતો. ચિખલીથી ટ્રક નં.જીજે 21 ડબલ્યુ 2838 કપચી ભરીને વલસાડમાં ઠાલવવા આવી હતી તે દરમિયાન મણીબાગ સોસાયટી આગળ અચાનક ટ્રકનું આગળનું ટાયર ચાલુ ટ્રકે નિકળી ટ્રકની આગળ દોડવા લાગેલું. જો કે ટ્રક અચાનક પટકાઈ ઘટના સ્થળે ઉભી થઈ ગઈ હતી. અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સદ્દનસીબે મોટો અકસ્માત થતા થતા રહી ગયો હતો. લોકો વિચિત્ર અકસ્માત જોવા કુતુહલ વશ ઉમટી પડયા હતા.