Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે ઉપયોગી અદ્યતન XDR GenXpert મશીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના હસ્તે લોકાર્પણ

જિલ્લા પંચાયતના ફંડમાંથી રૂ. ૨૧.૫૦ લાખના ખર્ચે
અમેરિકન કંપનીનું ઈમ્પોર્ટેડ મશીન મંગાવાયું

પહેલા રિપોર્ટ આવતા ૨ થી ૩ દિવસ થઈ જતા હતા પરંતુ હવે
આ નવા મશીનથી માત્ર દોઢ કલાકમાં જ રિપોર્ટ મળી જશે

આ મશીનથી કુલ ૫ થી ૬ લાખની વસ્તીને લાભ થશે સાથે
હિપેટાઈટીસ-બી ના વાયરલની પણ તપાસ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧: પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત તરફથી સ્ટેમ્પ ડ્યુટી યોજના વર્ષ ૨૦૨૨-૨૩ દ્વારા વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજને ટીબીના દર્દીઓની તપાસ માટે XDR GenXpert મશીન ફાળવાયું છે. જેના લોકાર્પણનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. રૂ. ૨૧ લાખ ૫૦ હજારના ખર્ચે અમેરિકાથી મંગાવાયેલુ આ મશીન ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લા પાસે જ ઉપલબ્ધ છે.
ટીબીના દર્દીઓની તપાસ માટે અત્યંત ઉપયોગી ગણાતા આ મશીનના લોકાર્પણ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે જણાવ્યું કે, કેન્સરનું નામ પડે એટલે પહેલા લોકો ટેન્શનમાં આવી જતા હતા. તેમ ટીબીનું નામ પડે એટલે લોકો ચિંતામાં આવી જતા હતા પરંતુ હવે આ રોગ નાઈલાજ રહ્યો નથી. સમય પર તેની સારવાર કરાવવાથી ટીબી મુક્ત થઈ શકાય છે. આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારતનું અભિયાન છેડ્યુ છે. ત્યારે ગુજરાતમાં એક માત્ર આપણા વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓના નિદાન માટે આ મશીન ખૂબ જ ઉપયોગી બની રહેશે. જે આપણા માટે ગૌરવની વાત છે. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીનો આપણે આભાર માનીએ કે, તેઓના અથાગ પ્રયાસથી આ મશીન દર્દીઓની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં સફળતા મળી છે. જે બદલ તેમને અભિનંદન પાઠવીએ છે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ક્ષય ઓફિસર ડો. એચ.પી.સિંઘે જણાવ્યું કે, નવા પ્રકારનું હાઈ ટેક્નોલોજીયુક્ત XDR (Extensive drug-resistance) GenXpert મશીનની સેન્સીટીવીટી ખૂબ જ વધારે છે. જેના કારણે માઈક્રો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસનું ખૂબ જ ઝડપથી ડાયગ્નોસિસ થઈ શકશે. આ મશીનથી ફર્સ્ટલાઈન અને સેકન્ડ લાઈન ટીબી ડ્રગના રેઝીસ્ટન્ટનું ઝડપથી વહેલુ નિદાન પણ થશે. દર્દીમાં માઈક્રો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ છે કે નહી તે જાણવા માટે અગાઉ ૨ થી ૩ દિવસ થતા હતા પરંતુ આ ઈમ્પોર્ટેડ મશીનથી માત્ર દોઢ કલાકમાં જ રિપોર્ટ જાણી શકાશે. આ સિવાય કઈ દવા દર્દીને ઝડપી અસર કરશે તે પણ જાણી શકાશે. આ મશીનથી કુલ ૫ થી ૬ લાખની વસ્તીને લાભ થશે સાથે સાથે આ મશીનથી હિપેટાઈટીસ-બી ના વાયરલ લોડની તપાસ પણ કરી શકાય છે.
વધુ ડો. સિંઘે કહ્યું કે, ટીબી નાબૂદી માટે મુખ્ય ચાર પિલર છે. (૧) ટીબીના દર્દીને શોધવુ, (૨) ટીબીના રોગને અટકાવવુ, (૩) ટીબીના દર્દીની સારવાર અને (૪) ટીબી સામે જનજાગૃતિ કેળવવા સિસ્ટમ બનાવવી. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારતના ધ્યેયને જલદીથી આત્મસાત કરવા માટે ટીબીના દર્દીઓનું જેટલું વહેલું નિદાન તેટલી જલદી સારવાર કરવાથી તેમના દ્વારા લોકોમાં ફેલાતા ટીબીના ચેપને અટકાવી શકાય છે. જે માટે લોકોમાં જાગૃતિ જરૂરી છે.
ડો. સિંઘે આભાર માનતા જણાવ્યું કે, આ મશીન ઉપલબ્ધ કરાવવા માટે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રંજનબેન પટેલ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિરણ પટેલના અથાગ પ્રયત્ન રહ્યા છે. જેને પગલે પહેલીવાર જિલ્લા પંચાયતના ફંડમાંથી આ મશીન ફાળવવામાં આવ્યું છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાનહમાંથી આવતા દર્દીઓને પણ ઉપયોગી બનશે. ખાનગી હોસ્પિટલના દર્દીઓનું પણ આ મશીન દ્વારા વિના મૂલ્યે ટેસ્ટીંગ કરી શકાશે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ રંજનબેન પટેલ, માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના એચઓડી ડો. પરિમલ પટેલ, સિવિલ સર્જન ડો. ભાવેશ ગોયાણી, મેડિકલ કોલેજના ડિન ડો. કમલેશ શાહ સહિત તબીબો અને આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ક્ષય કેન્દ્રના સુપરવાઈઝર અશ્વિનભાઈ કે. પટેલે કર્યુ હતું. જ્યારે આભારવિધિ ટીબી ડિપાર્ટમેન્ટના ડો. પરિમલભાઈ પટેલે કરી હતી.

Related posts

દાનહમાં આદિવાસી મહાપુરૂષોના ગૌરવશાળી ઇતિહાસને પુસ્‍તિકાના રૂપે સંગ્રહ કરી જન જન સુધી પહોંચાડશે ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’: અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ મહેશ કાડે

vartmanpravah

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

આ ચૂંટણી દેશ કોને સોંપવો તે નક્કી કરવાની ચૂંટણી છેઃ પ્રદેશ ભાજપ સહ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

Leave a Comment