દમણના ઝાંપાબાર ખાતે રોટરી ક્લબ દ્વારા ઠંડા પાણીની પરબ અને રોટરી ઈન્ફોર્મેશન સેન્ટરનું દમણ ન.પા. અધ્યક્ષ અને ડિસ્ટ્રીક્ટ રોટરી ગવર્નર તુષાર શાહે કર્યું ઉદ્ઘાટન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : નાની દમણના ઝાંપાબાર ખાતે આજે રોટરી ક્લબ દમણ દ્વારા પીવાના પાણીની પરબ અને રોટરી ઈન્ફોર્મેશન સેન્ટરનું ઉદ્ઘાટન દમણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા અને રોટરી ડિસ્ટ્રીક્ટ ગવર્નર શ્રી તુષાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ દમણની સ્થાપનાના ત્રણ વર્ષમાં ઠંડા પાણીની પરબ સહિતના અનેક લોકસેવાના કામોમાં અગ્રેસર રહી ક્લબે પોતાની એક આગવી ઓળખ પણ કાયમ કરી છે.
આ પ્રસંગે દમણરોટરી ક્લબના અધ્યક્ષ શ્રી અપૂર્વ પાઠકે ગરમીની સિઝનમાં ઠંડા પાણીની પરબ રાહદારીઓ અને વિક્રેતાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રોટરી ક્લબના ઈન્ફોર્મેશન સેન્ટરથી લોકોને રોટરી ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને પ્રોજેક્ટની માહિતી મળતી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, આવતા દિવસોમાં ઝાંપાબારની ઓળખ રોટરી સ્ક્વેર કે રોટરી જંક્શન તરીકે થવાની પણ સંભાવના પ્રગટ કરી હતી.
આજના કાર્યક્રમમાં રોટરી ક્લબના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.