આરોપી રમેશ પ્રભાતસિંહ રાવતે કન્ડક્ટરને કહેલું કે રજા અરજી ફોર્મસાથે વહેવારના 200 લેતા આવજો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: હજુ તો ઉમરગામ સોળસુંબા પંચાયતના ઉપ સરપંચ અને મંત્રી રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયેલા બનાવની શાહી પણ સુકાઈ નથી ત્યાં આજે બુધવારે જિલ્લામાં ધરમપુર એસ.ટી. ડેપોના ટ્રાફિક ઈન્સ્પેક્ટર કન્ડક્ટરની બે દિવસની રજા મંજૂર કરવા પેટે માંગેલી રૂા.200ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો છે.
એ.સી.બી. સુત્રો મુજબ ધરમપુર એસ.ટી. ડેપોમાં ટ્રાફિક ઈન્સ્પેક્ટર તરીકે રમેશકુમાર પ્રભાતસિંહ રાવત ફરજ બજાવી રહેલ છે. ડેપોમાં ફરજ બજાવતા કન્ડક્ટરે ધાર્મિક વિધીમાં જવા હેતુ બે દિવસની રજા માંગી હતી તે માટે ટ્રાફિક ઈન્સ્પેક્ટર રમેશ રાવતએ કહેલું કે રજાની અરજી ફોર્મ સાથે વહેવારના 200 રૂા. લેતા આવજો, પરંતુ ફરિયાદી કન્ડક્ટર 200ની લાંચ આપવા માગતો નહોતો તેથી એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી તે અનુસાર એ.સી.બી.એ આજે બુધવારે ડેપો ઉપર છટકુ ગોઠવ્યું હતું. રજા અરજી ફોર્મ સાથે રૂા.200ની લાંચ લેતા ટ્રાફિક ઈન્સ્પેક્ટર રમેશ પ્રભાતસિંહ રાવતને એ.સી.બી.એ રંગે હાથ ઝડપી પાડયો હતો. ટેપીંગ અધિકારી કે.આર. સક્સેના પી.આઈ. વલસાડ ડાંગ તથા સુપરવિઝન અધિકારી શ્રીમતી એ.કે. ચૌહાણ અને એલ.સી.બી. સ્ટાફે ફરજ અદા કરી હતી.