-
સુંદર સ્વસ્થ અને રળિયામણાં દાનહની રોનક ઉપર કલંક લગાવવાની ચેષ્ટા વલસાડ જિલ્લાના લવાછા ગામના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે
-
જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય ઉભું થવા છતાં લવાછા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત સહિત વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ નિષ્ક્રિય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસના પ્રવેશદ્વાર ગણાતા પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે નંખાતા આડેધડ કચરા અને પ્લાસ્ટિકથી સુંદર, સ્વસ્થ અને રળિયામણાં દાદરા નગર હવેલીની રોનક ઉપર કલંક લગાવવાનું કામ વલસાડ જિલ્લાના લવાછા ગામના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટીએ વલસાડ જિલ્લાના કલેક્ટરને કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વાપી-સેલવાસ રોડ ઉપર આવેલ પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે લવાછા ગામના રહેવાસીઓ દ્વારા ઠલવાતા કચરાના કારણે બ્રિજ ઉપર જ કચરાના ઢગલાં ફેલાયેલા છે. અસહ્ય ગંદકી અને દુર્ગંધના કારણે વાહનચાલકોને પોતાના વાહનના કાંચ બંધકરવાની ફરજ પડે છે અને રાહદારીઓ માટે રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બન્યો છે. ગંદકી અને કચરાના ઢગલાંના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ખુબ જ વધી રહ્યો છે. આજુબાજુ લવાછા ગામની મોટી મોટી ચાલીઓ પણ આવેલી છે. ચાલીમાં રહેતાં લોકો અને આસપાસના દુકાનદારો દ્વારા પોતાનો ગંદો કચરો ઠલવાતો હોવાનું પણ જાણવા મળે છે.
દરમિયાન જાહેર બ્રિજ ઉપર પથરાયેલી ગંદકીના કારણે કેન્દ્રના મકાન અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજીત સ્વચ્છ સર્વેક્ષણમાં સેલવાસ પાલિકાનું રેંકિંગ પ્રભાવિત થયું હોવાનો આરોપ પણ સેલવાસ ન.પા. અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટીએ લગાવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, પીપરિયા બ્રિજ ઉપર એક છેડે કચરાના ડુંગર બનેલા હોવા છતાં લવાછા ગ્રામ પંચાયત દ્વારા પણ હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી. વલસાડ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ નિષ્ક્રિય હોવાનું દેખાય છે. ત્યારે સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટીએ વલસાડ જિલ્લાના કલેક્ટરશ્રીને પત્ર લખી તાત્કાલિક આ મુદ્દે કાર્યવાહી કરવા માંગણી કરી છે.