દામિની વૂમન ફાઉન્ડેશનના ચેરપર્સન સિમ્પલબેન કાટેલાનું દરેક માટે પ્રેરણારૂપ કાર્ય : જૂના કુવામાં પાણીના ઝરા જીવંત થતાં આવેલ નિર્મળ, સ્વચ્છ જળના પણ કરેલા વંદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13: નાની દમણના દેવકા રોડ ખાતે આવેલ એક જૂના કુવાને ચાર્જ કરી પ્રાકૃતિક જળષાોતના રૂપે ફરી સ્થાપિત કરવાની આવકારદાયક પહેલ દામિની વૂમન ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલા અને તેમના ફાઉન્ડેશને કરી છે.
નાની દમણના દેવકા રોડ ખાતે આવેલ જૂનો અને ઐતિહાસિક કુવાનું પાણી વપરાશમાં નહીં રહેવાના કારણે તેનો ભૂગર્ભ પાણીનો ઝરો (જળષાોત) સુકાઈ ગયો હતો. આ સુકાઈ ગયેલા ઝરાને ફરી ચાર્જકરવા માટે દામિની વૂમન ફાઉન્ડેશને કુવાની અંદર જઈ તેને સાફ કરનારા કારીગરો પાસે સ્વચ્છ કરાવતા પુરાઈ ગયેલો જળષાોત ફરી સજીવન બન્યો હતો. જેના કારણે કુવામાં સ્વચ્છ અને નિર્મળ જળ ફરી આવતું થયું છે.
દામિની વૂમન ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્પલબેન કાટેલાએ જળષાોતના ઉપયોગની બાબતમાં સ્થાનિક રહેવાસીઓને જાણકારી આપી હતી અને તેના ફાયદાની પણ સમજ આપી હતી. શ્રીમતી સિમ્પલબેન કાટેલાના પ્રયાસથી કુવામાં શરૂ થયેલા ઝરાનું અંદરથી પાણી ભરી કુવાને વંદન કરવાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો જેના કારણે આજુબાજુના રહેવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
દામિની વૂમન ફાઉન્ડેશને સમગ્ર પ્રદેશ માટે એક પ્રેરણારૂપ કામ કર્યું છે.