(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: પવિત્ર શ્રાવણ માસનાં આગમન સાથે વિવિધ તહેવારોનું આગમન થાય છે. નાનેરા અને મોટેરાંઓમાં શ્રાવણ માસનાં આગમનથી આનંદ છવાઈ જાય છે. આજ આનંદને જાળવી રાખવા માટે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘કૃષ્ણ જન્માષ્ટમી’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તા.04-9-23ને સોમવારે જન્માષ્ટમીની બે દિવસ પૂર્વે જ ખૂબ શાનદાર રીતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ રાધા અને કૃષ્ણના રંગબેરંગી પોશાકમાં આવ્યા હતા. તેઓ આવા પોશાકમાં ખૂબ જ સુંદર લાગતા હતાં. ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ કૃષ્ણ પર અદ્ભુત કવિતાઓનું પઠન કર્યું હતું. ધોરણ-5 અને 6 ના વિદ્યાર્થીઓએ ભગવાન કૃષ્ણ માટે મટકી અને હીંચકાઓને સુંદર રીતેશણગારીને તેમની કલા અને હસ્તકલાની કુશળતા દર્શાવી હતી. ધોરણ-7 અને 8 ના વિદ્યાર્થીઓએ રંગબેરંગી રંગોળીઓ બનાવવા માટે તેમના ચિત્ર કૌશલ્યનો ઉપયોગ કર્યો હતો. ધોરણ-9 થઈ 11ના વિદ્યાર્થીઓએ દહીં હાંડીનો આનંદ માણ્યો. જ્યાં સમગ્ર શાળાનાં વિદ્યાર્થીઓ દર્શક બની શ્રી કૃષ્ણનાં નારા અને ગીતો સાથે તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્યાયનાં નેજા હેઠળ કરવામાં આવ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પણ પાઠવી હતી.