દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પ્રદેશ સ્તરીય કાર્યક્રમમાં દમણ અને દાનહ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ પણ વર્ચ્યુઅલી જોડાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.13: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં આજે ‘‘આયુષ્માન ભવઃ”ના પ્રદેશ સ્તરીય શુભારંભ સમારંભનું આયોજન દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના આરંભમાં દીવના જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું અભિવાદન કર્યું હતું. દીવના મલાલા ખાતે આયોજીત પ્રદેશ સ્તરીય સમારંભની સાથે દમણઅને દાદરા નગર હવેલી જિલ્લા સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ પણ વર્ચ્યુઅલી જોડાયું હતું.
પ્રારંભમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ બપોરે 12:00 વાગ્યે ‘‘આયુષ્માન ભવઃ” કાર્યક્રમનો શુભારંભ સંપૂર્ણ ભારતવર્ષમાં વર્ચ્યુઅલી મોડ દ્વારા કરાવાયો હતો. દીવ, દમણ તથા દાદરા નગર હવેલી જિલ્લા સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપે પણ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના કાર્યક્રમને વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.
આ પ્રસંગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશમાં કાર્યાન્વિત વિવિધ આરોગ્ય સેવાઓની બાબતમાં વિસ્તૃત જાણકારી આપી હતી અને દરેકને સરકારની પ્રત્યેક આરોગ્ય યોજનાઓની બાબતમાં જાગૃત રહી તેનો લાભ લેવા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ અને નિરોગી ભારતના સપનાને સાકાર કરવા પોતાની સકારાત્મક ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતિ સુધી સેવા અને સ્વચ્છતા પખવાડિયું મનાવવા હાકલ કરી હતી. તેમણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં સ્વચ્છતા પખવાડિયા દરમિયાન શ્રેષ્ઠ જિલ્લો, શ્રેષ્ઠ પંચાયત અને શ્રેષ્ઠવોર્ડને વર્ગીકૃત કરી પુરસ્કાર આપવા તંત્રને નિર્દેશ આપ્યો હતો.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેવા અને સ્વચ્છતા પખવાડા દરમિયાન રક્તદાન અભિયાન શરૂ કરવા પણ આહ્વાન કર્યું હતું. તેમણે પ્રદેશમાંથી કુપોષણની સમસ્યાને નાબૂદ કરવા માટે ખમતીધરોને કુપોષિત બાળકો તથા લોહીની ઉણપ ધરાવતી એનેમિક મહિલાઓને દત્તક લઈ તેમની સમસ્યા નાબૂદ કરવા પ્રેરિત કર્યા હતા.
‘‘આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 31મી ડિસેમ્બર-2023 સુધી દર શનિવારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયુષ્માન મેળાનું આયોજન કરાશે અને દરેક પંચાયતમાં આયુષ્માન સભા પણ યોજાશે.
દીવ ખાતે આયોજીત કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે દીવની ત્રિપ્પલ આઈ.ટી.ની વિદ્યાર્થીની કુ. સાક્ષી ડાંગીને ગુગલમાં મળેલા રૂા.50 લાખના વાર્ષિક પેકેજ બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં અંગદાન માટે શપથ પણ લેવાયા હતા.
દમણ ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા સહિત જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ તથા અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.