ટુરિઝમ, ફોરેસ્ટ, પી.ડબ્લ્યુ.ડી., હેલ્થ જેવા વિભાગના કોન્ટ્રાક્ટ ઉપરકામ કરતા કર્મીઓનું કોન્ટ્રાક્ટરો દ્વારા થતું શોષણઃ લઘુત્તમ ધારાનો પણ થતો ભંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને સુચનાથી કામદારોને લઘુત્તમ વેતન નહીં આપતાં ઉદ્યોગો-એકમો સામે પ્રશાસને કડક હાથે કામ લેવાના સંકેત ગત 11મી સપ્ટેમ્બરે દાનહ શ્રમ ઉપ આયુક્ત સુશ્રી ચાર્મી પારેખે એક સરક્યુલર જારી કરીને આપ્યા છે જેમાં આવતા દિવસોમાં કામદારોનું શોષણ કરતા ઉદ્યોગો સામે મોટી તવાઈ આવવાની પણ સંભાવના દર્શાવાઈ છે. દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસનમાં કેટલીક સરકારી ઓફિસો/વિભાગોમાં ડેઇલી વેજીસ તથા કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કામદારો/કર્મચારીઓને કોન્ટ્રાક્ટરો દ્વારા મહિનાઓ સુધી પગાર આપવામાં આવતો નથી, જે બાબતે સ્થાનિક પ્રશાસન ગંભીરતાથી વિચાર કરે અને પગારથી વંચિત કામદારો/કર્મચારીઓને દર મહિને સમયસર પગાર મળે તે માટે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે જિલ્લા કલેક્ટરશ્રી પ્રિયાંક કિશોરને લેખિત રજૂઆત કરી છે.
શ્રી સુમનભાઈ પટેલે કલેક્ટરશ્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે દાનહ પ્રશાસન દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ કામદારો માટે લઘુત્તમ વેતન દરો નક્કી કરવામાં આવેલ છે. જેમાં કુશળ, અર્ધકુશળ અને અકુશળ એમ ત્રણશ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાનહમાં નાના-મોટા એકમો મળી હજારોની સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે. જેમાં લાખો લોકો કામ કરી આજીવિકા રળી રહ્યા છે. જેમાંથી કેટલીક કંપનીસંચાલકો અને કોન્ટ્રાક્ટરો ખુબ જ ઓછું વેતન આપીને કામદારોનું ભારે શોષણ કરે છે. હાલમાં પણ કોન્ટ્રાક્ટરો 8 કલાકના બદલે 12 કલાક કામ કરાવે છે અને 12 કલાકનું વેતન આપવાના બદલે 8 કલાકનું જ વેતન આપી કામદારોને રડાવી રહ્યા છે. ત્યારે પ્રશાસન દ્વારા લેવામાં આવેલ લઘુત્તમ વેતન દરો માટેનો નિર્ણય તમામ માટે લાગુ થવો જોઈએ. પ્રશાસન દ્વારા જો ધારાધોરણનું પાલન નહિ થશે તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવેલ છે. પરંતુ કેટલાક કામદારોનું મોટાભાગે ખુબ જ વધુ પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે.
સાથે દાનહના વિવિધ સરકારી વિભાગોમાં પણ કોન્ટ્રાક્ટર ઉપર કામ કરતા ડેઈલી વેજીસ કર્મચારીઓને મહિનાઓ સુધી સમયસર પગાર નહીં ચૂકવાતો હોવાની અને કર્મચારીઓ/કામદારોનું શોષણ થઈ રહ્યું છે, જેમાં ટુરિઝમ, ફોરેસ્ટ, પી.ડબ્લ્યુ.ડી., આરોગ્ય, શિક્ષણ, ડેરી ફાર્મના કેટલાક મજૂરો, શાળાના હેલ્પરો, આંગણવાડી હેલ્પર તેમજ અન્ય વિભાગોમાં કામદારોનો મહિનાઓ સુધી પગાર થતો નહીં હોવાની ફરિયાદ ઉઠીરહી છે.
આજના અસહ્ય મોંઘવારીના સમયમાં દર મહિને પગાર નહીં થતાં ગરીબ લોકો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હશે? એના ઉપર પ્રશાસને વિચાર કરીને કામદારો/કર્મચારીઓને સમયસર પગાર મળે અને પગાર ધોરણમાં જે વધારો થયેલ હોય તે ઉમેરીને દર મહિને સમયસર મળે એવું કરવા સેલવાસ નગરપાલિકા કાઉન્સિર શ્રી સુમનભાઈ પટેલે દાનહ જિલ્લા કલેક્ટરશ્રીને નમ્ર અરજ કરી છે.