(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.14: ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા બાકી રહેલ અઢી વર્ષના જિલ્લા પ્રમુખ ઉપ પ્રમુખ તથા તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ અને દરેક નગર પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખ તથા કોર્પોરેટરો માટેની વરણી માટે નો રિપીટેશનની ફોર્મ્યુલા લાવતા પ્રમુખ ઉપ પ્રમુખના દાવેદાર અને ઉપર સુધીની વગ ધરાવનારાઓના સ્વરપ્ન રોળાય જતા નવા કાર્યકરોનો ચાન્સ લાગ્યો હતો.
ગઈ કાલે જ પ્રદેશતરફથી વલસાડ જિલ્લા તથા તેના તમામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખના મેન્ડેટ આવી ગયા હતા.
જેને લઈ આજરોજ પારડી તળાવ કિનારે બનેલ નવા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારી ડી.જે.વસાવાના અધ્યક્ષ સ્થાને ટી.ડી.ઓ. ગાયકવાડની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ તથા ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્પલ પટેલે ફોર્મ ભર્યું હતું. સમય મર્યાદા બાદ આ બન્ને હોદ્દા માટે કોઈ અન્ય ફોર્મ ન ભરાતા સભાના અધ્યક્ષ પ્રાંત અધિકારી ડી.જે. વસાવાએ પ્રમુખ તરીકે દક્ષેશભાઈ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ડિમ્પલબેન પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
બિનહરીફ વિજેતા થયેલા આ બંને પ્રમુખ ઉપ પ્રમુખને તાલુકા પંચાયતના તમામ સદસ્યો તથા ઉપસ્થિત ભાજપના તમામ કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.
