વાપી, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોના અગ્રણીઓએ કાર્યક્રમને માણ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં પ્રથમ વાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. જેના થકી રાજ્યમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને લાવવામાં સફળતા મળતા દેશની પ્રથમ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના 20 વર્ષ પૂર્ણ કરનાર ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે. આ બે દાયકાની અદ્ભૂત સફરનીઉજવણીનો સમારોહ બુધવારે અમદાવાદ સાયન્સ સિટી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહનું જીવંત પ્રસારણ વલસાડ જિલ્લાની વાપી, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીના ઉદ્યોગપતિઓએ નિહાળ્યું હતું.
વાપીના વીઆઈએ હોલમાં અંદાજે 100 જેટલા ઉદ્યોગપતિઓએ વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહને નિહાળ્યો હતો. જ્યારે સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના સમારોહને સવારે 10 થી બપોરે 12.30 સુધી સભ્યોએ ઓનલાઈન માણ્યો હતો. જિલ્લાની તમામ જીઆઈડીસીઓમાં ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ અને નોટિફાઈડ એરીયાના અધિકારીઓ અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ‘‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઓફ સકસેસ” કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જ્યારે જિલ્લાની જીઆઈડીસીના એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો આ કાર્યક્રમને નિહાળવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. આ સિવાય મોટે ભાગના ઉદ્યોગપતિઓએ મોબાઈલમાં લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.