- ઘર, ચાલી કે ફેક્ટરી દ્વારા છોડાતા ગંદા પાણી અને ગંદાપાણીના થતા જમાવડાના સંદર્ભમાં કસૂરવારોના લાઈટ કનેક્શન કાપવાની કરેલી શરૂઆતઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ
- દાનહની અન્ય ગ્રામ પંચાયતો માટે પણ નરોલી ગ્રામ પંચાયતે કડક અભિગમ અપનાવી બેસાડેલો દાખલો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં ડેંગ્યુ, મેલેરિયા સહિત વધેલા મચ્છરજન્ય રોગને ફેલાતો અટકાવવા માટે નરોલી ગ્રામ પંચાયતે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. જેમાં ઘર તથા ચાલીના જમા થતાં ગંદા પાણીના જમાવડા, ગંદુ પાણી આજુબાજુ છોડવાની રીતિ-નીતિ તથા પોતાના આંગણાંની સફાઈમાં રખાતી ઉદાસિનતા સામે ઘરમાલિકને દોષિત ઠેરવી દંડ તથા લાઈટના કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરાતા સમગ્ર ગ્રામ પંચાયત વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલ, નરોલી ભાજપ મંડળના અધ્યક્ષ શ્રી યોગેશસિંહ સોલંકી અને પંચાયત સેક્રેટરી શ્રી મનોજભાઈ રાઉતની ત્રિપૂટીએ નરોલી વિસ્તારમાં ઘર, ચાલી, એપાર્ટમેન્ટ તથા ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતી ગંદકી સામે સખત અભિયાન શરૂ કર્યું છે અને કસૂરવાર જણાતા લોકોના ઘર, ઓફિસ કે ચાલીઓના ઈલેક્ટ્રીક કનેક્શનો પણ કાપવાની શરૂઆત કરાતા આ વિસ્તારના રહીશોમાં સ્વચ્છતા પ્રત્યેકર્તવ્ય ભાવ પણ જન્મી રહ્યો છે.
નરોલી ગ્રામ પંચાયતે શરૂ કરેલી કાર્યવાહીની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે અને બીજી ગ્રામ પંચાયતોએ પણ સખત કાર્યવાહી કરી દાદરા નગર હવેલીમાં ફેલાયેલા ડેંગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાને અંકુશમાં લેવા પ્રયાસો કરવા જોઈએ એવી માંગણી બુલંદ બની છે.