બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં 27. 58 કિમીના માર્ગોનું નવીનીકરણ થવાથી અંદાજે 235000ની વસ્તીને સીધો ફાયદો થશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો પાયો નાંખ્યો હતો, જે વિકાસની રાજનીતિને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ
લોકોની કનેક્ટીવીટી અને ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ
છરવાડાથી બલિઠાને જોડતો રસ્તો વાપી તાલુકાને બાયપાસ રોડ તરીકે ઉપયોગી થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: રાજ્યના નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે, જેને પગલે પ્રજાની સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે. તા.6 ડિસેમ્બરના રોજ સાંજે મંત્રીશ્રીના હસ્તે પારડી અને વાપી તાલુકામાં એક સાથે ચાર ગામ બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં અંદાજે રૂ.50 કરોડ 40 લાખના ખર્ચે નવીનીકરણ થનારા 27.58 કિમીના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તા અંદાજે 235000ની વસ્તીને સીધા ઉપયોગી બનશે. જેને પગલે ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી.
રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગ્રામજનોને સંબોધી જણાવ્યું કે, છરવાડાથી એનએચ-848 બલિઠાને જોડતો 4.70 કિમીનો રસ્તો રૂ.11 કરોડ 25 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે. છીરી પોલીસ ચોકી કેનાલથી 2.90 કિમીનો છરવાડા રોડ 6 કરોડ 25 લાખ અને છીરી પોલીસ ચોકીથી ને.હા.નં. 48 બલિઠાને જોડતો 7.60 કિમીનો રસ્તો 7 કરોડ 50 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે. બાજુમાં 120 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે. જેથી આ રસ્તા મોટી સંખ્યામાં લોકોને ઉપયોગી બનશે. લોકોની કનેકટિવીટી કેવી રીતે વધી શકે તે માટે જિલ્લા પંચાયતની બાંધકામશાખાની ટીમ પણ નવા નવા રસ્તા બનાવી રહી છે જે અભિનંદનને પાત્ર છે. નવા રસ્તા બનવાથી ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. છરવાડાથી બલિઠાને જોડતો રસ્તો વાપી તાલુકાને બાયપાસ રોડ તરીકે ઉપયોગી થશે. આ રસ્તો છીરી પોલીસ ચોકી એટલે કે વાપી કોપરલી રોડ પરથી ડાયરેક્ટ બલિઠા ને.હા.નં. 48 પર જવા માટે અગત્યનો રસ્તો બનશે. 4.95 કિમીનો ટૂકવાડા-પરીયા રોડ બનવાથી આજુબાજુના ગામોને બારમાસી રસ્તો મળશે. એક બાજુ પારડી-પરીયા, અંબાચ, ચીભડકચ્છ રોડને જોડે છે અને બીજી બાજુ ને.હા.નં. 8 ને જોડે છે.
આ સિવાય ટુકવાડા-પરિયા મેઈન રોડથી ટુકવાડા ઓવર ફળિયા થઈ ક્રિકેટ ગ્રાઉન્ડ થઈ પરિયા છતરીયાથી પારડી, અંબાચને જોડતો 2.20 કિમીનો રસ્તો રૂ.1 કરોડ 80 લાખના ખર્ચે બનશે. ટુકવાડા બરવાડી ફળિયાથી ભવાની માતા મંદિરને જોડતો 5.20 કિમીનો રસ્તો 2 કરોડ 40 લાખના ખર્ચે બનશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, બાલદા કમઠી ફળિયા સ્કૂલથી બાલદા સાયન્સ કોલેજને જોડતો 2.23 કિમીનો રસ્તો 1 કરોડ 45 લાખના ખર્ચે બનશે. આ રસ્તો વિદ્યાર્થીઓ માટે અવર જવરનો ટૂંકો રસ્તો છે. જે ને.હા.નં. 48ને જોડતો અગત્યનો રસ્તો છે. 2 કિમીની લંબાઈ ધરાવતો બાલદા એપ્રોચ રોડ રૂ.2 કરોડના ખર્ચે બનશે. આ રસ્તો બાલદાગામથી બાલદા જીઆઈડીસીમાંથી પસાર થઈ ને.હા.નં. 848ને જોડે છે અને બીજી બાજુ પારડી ચીવલ રોડને જોડતો રસ્તો છે. ઉમરસાડી મસાલા ફેકટરીથી વાડી ફળિયા થઈ વ્હારી ફળિયા થઈ તળાવ થઈ પટેલ ફળિયાને જોડતો 3.40 કિમીનો રસ્તો રૂ.6 કરોડ 50 લાખના ખર્ચે બનશે. આ રસ્તો પલસાણા ગંગાજી યાત્રાધામને જોડતો મહત્વનો રસ્તો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પહેલાના સમયમાં જિલ્લામાં એક જ દિવસમાં આટલી માતબર રકમના વિકાસના કામો થતા ન હતા પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસનો પાયો નાંખ્યો હતો અને આ વિકાસની રાજનીતિને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. આ વિકાસનો શ્રેય નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈના ફાળે જાય છે. આપ સૌ ગ્રામજનો પણ અભિનંદનને પાત્ર છો કે, આપ તમામ પણ વિકાસની યાત્રામાં જોડાયને ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છો.
આ પ્રસંગે કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી અને માજી સાંસદ ડો. કે.સી.પટેલે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ખાતમુહૂર્ત વેળા પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઈ પટેલ, બલિઠા ગામના સરપંચ સુમિતભાઈ, ટુકવાડા ગામના સરપંચ તેજલબેન, બાલદાગામના સરપંચ રાહુલભાઈ, વાપી તાલુકા સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલ, પારડી તાલુકા સંગઠનના પ્રમુખ મહેશભાઈ દેસાઈ, વાપી શહેર સંગઠનના પ્રમુખ સતિષ પટેલ, વાપી નોટીફાઈડ સંગઠનના પ્રમુખ હેમંત પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર અમિષ પટેલે અને આભારવિધિ નાયબ કાર્યપાલક ઈજનેર સાગર બાગુલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદિશભાઈ પટેલે કર્યુ હતું.