(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં તા.04 ઓક્ટોબરે એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, કોઈ અજાણ્યા વ્યક્તિ/વ્યક્તિઓએ તેમના બંધ ઘરમાં પાછળનો દરવાજો તોડીને ઘરમાંથી સોનાના ઘરેણાં, પૈસા વગેરેની કરી છે. પોલીસે આઈપીસી 380, 454 મુજબ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે કેસની વધુ તપાસ કરતા અલગઅલગ પોલીસની ટીમ બનાવીને ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં બારિકાઈથી તપાસ કરી. જેમાં માલૂમ પડયું કે, 03 વ્યક્તિઓ દ્વારા આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસની ટીમે આવતા-જતા રસ્તાઓનું મેપિંગ કર્યું અને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનની આસપાસની માહિતી ભેગી કરી હતી. ત્યારબાદ હ્યુમન ઈન્ટેલીજન્સથી મળેલી જાણકારીના આધારે ખબર પડી કે ત્રણેય આરોપી વાપી રેલવે સ્ટેશનની આસપાસ જોવા મળી રહ્યા છે. ત્રણેય આરોપી ઘણાં સમયથી વાપીના ડુંગરા ગામમાં રહેતા હતા અને બંધ ઘરોમાં લગાતાર રેકી કરતા હતા. દમણ પોલીસની એક ટીમને રેલવે સ્ટેશન વિસ્તારના સ્થળોએ શોધખોળ કરવા માટે મોકલી હતી અંતે પોલીસની ટીમને ઘણી મહેનત બાદ 03 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી.
પકડાયેલા આરોપીઓ પાસેથી એક 80 ગ્રામ સોનાનું મંગલસૂત્ર કિંમત રૂા.4 લાખ અને એક સોનાની રિંગ અંદાજીત કિંમત રૂા.7 હજાર મળી આવી હતી.
ત્રણેય આરોપીઓની વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.
