સુંદરમ દિવાકર પણ એક દિવસ દેશ માટે રમશે એવા ક્રિકેટ કોચ ભગુ પટેલે આપેલા આશીર્વાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: સંઘપ્રદેશ દમણના ઉભરતા ક્રિકેટ સિતારા શ્રી ઉમંગ ટંડેલ, શ્રી હેમાંગ પટેલ, શ્રી સરલ પ્રજાપતિ અને હવે શ્રી સુંદરમ દિવાકર પણ રાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવનું નામ રોશન કરવા જઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના યુવાન શ્રી સુંદરમ દિવાકરે વર્ષ 2023-24માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, પટિયાલા પાસેથી ક્રિકેટ કોચિંગની તાલીમ મેળવી પ્રાપ્ત કરી છે. ઉપરોક્ત ત્રણેય ખેલાડીઓની જેમ શ્રી સુંદરમ પણ એક ઉત્કૃષ્ટ ઉભરતા ક્રિકેટર છે, જેમણે ક્રિકેટ કોચિંગની સઘન તાલીમ પણ પૂર્ણ કરી છે.
શ્રી સુંદરમે વર્ષ 2017-18માં ભોપાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટે યુનિવર્સિટી કક્ષાએ ક્રિકેટ રમી હતી અને 2019-20માં ગ્વાલિયરમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગુજરાત ટીમનું કેપ્ટન પદ પણ શોભાવ્યું હતું. શ્રી સુંદરમે સરકારી કોલેજ, દમણમાંથી બેચલર ઓફ આર્ટસ અને આણંદ ગુજરાતમાંથી બેચલર ઓફફિઝિકલ એજ્યુકેશન કર્યું છે.
શ્રી સુંદરમના કોચ શ્રી ભગુ પટેલે શ્રી સુંદરમને તેની કોચિંગ ટ્રેનિંગ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેની પ્રશંસા કરતાં કહ્યું કે જો કોઈ સારા સ્તરનો ખેલાડી ક્રિકેટ કોચિંગની તાલીમ લે તો તે ભવિષ્યમાં તમને મહાન ક્રિકેટર આપી શકે છે અને મને સુંદરમ પર ગર્વ છે અને વિશ્વાસ છે કે દમણ અને આસપાસના વિસ્તારોમાંથી દેશને એક દિવસ મોટો ખેલાડી મળશે. દમણ-દીવ અને દાનહના ક્રિકેટરો માટે આ એક સુવર્ણ તક છે.