અન્ય બે લોકોએ પણ દીપડાને જોતા સમગ્ર વિસ્તારમાં ફેલાયેલો ભયનો માહોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.18: ચીખલી તાલુકામાં દીપડાએ છેલ્લા કેટલાક દિવસોથી હાહાકાર મચાવી દીધો છે. સાદકપોરમાં દીપડાના હુમલામાં એક યુવતી અને વાછરડાનું મોત નીપજવાની ઘટના બાદ ખુડવેલ પીપલગભાણ અને સાદડવેલમાં દીપડો જોવા મળ્યો હતો. અને આજે ખૂંધ પોકડા બામણવેલ માર્ગ ઉપર શિકારને દબોચી જતો દીપડાનો કથિત વિડીયો વાયરલ થયો હતો. આ દરમિયાનરાત્રે આઠેક વાગ્યેના અરસામાં ફડવેલ ગામના નાગજી ફળિયા મુખ્ય માર્ગ ઉપર મોટર સાયકલ પર નવા ફળિયા પોતાના ઘરે જઈ રહેલ વ્યારા વીજ કંપનીની કચેરીમાં સ્ટોર કીપર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ ખુશાલભાઈ પટેલ ઉપર દીપડો ધસી આવી મોટર સાયકલના ગાર્ડ સાથે અથડાયા બાદ પગમાં પંજો મારતા પગમાં ઈજા થઈ હતી અને પેન્ટ પણ ફાટી ગયું હતું. જોકે તેમનો આબાદ બચાવ થયો હતો. આ જ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા સાદડવેલ સોનારીયાના ઉમેશભાઈ ધીરુભાઈ આહીર તથા ધોલી ફળિયાના ક્રિષ્ના ભીખુભાઈ પટેલ ઉપર પણ દિપડો ઘુરકયો હતો. બનાવ અંગેની જાણ સ્થાનિક તાલુકા સભ્ય મહેશભાઈ, પૂર્વ સરપંચ હરીશભાઈ વિગેરેએ કરતાં વન વિભાગનો સ્ટાફ ગણતરીના સમયમાં જ પહોંચી જઈ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. ચીખલી તાલુકાના ઘણા ગામોને દીપડાએ રીતસર માથે લેતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાવવા પામ્યો છે.