(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ દ્વારા શનિવારે સાયલી પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે દેશમાં કર્તવ્યનું નિર્વાહન કરતા એમના પ્રાણોની આહુતિ આપનાર પોલીસના અમર શહીદોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘‘64મા પોલીસ સ્મૃતિ દિવસ”ના અવસર પર શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. દાનહ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ ટુકડી દ્વારા શહીદોના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી હતી. આ પ્રસંગે દાનહ અને દમણ-દીવના ડી.આઈ.જી. શ્રી મિલિન્દ મહાદેવ દુમ્બેરે સહીત અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે પુષ્પચક્ર અર્પિત કર્યા બાદ દરેક અધિકારી શહીદ સ્મારક સામે ઉભા રહી પોલીસ બેન્ડ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે લાસ્ટ પોસ્ટની ધૂન વગાડવામાં આવી હતી, ત્યારબાદ દરેક પોલીસ અધિકારીઓ તથા જવાનોએ શહીદોની યાદમાં બે મીનિટનું મૌન રાખ્યું હતું. બાદમાં દરેક પોલીસ અધિકારી દ્વારા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય 21મી ઓક્ટોબર, 1959માં ભારતીય પોલીસ દળની એક ટીમ લદાખવિસ્તારમાં માતૃભૂમિની રક્ષા કાજે તૈનાત હતી. એક પહાડી પર છુપાયેલ ચીની સૈનિકોની મોટી ટુકડીએ એમના પર અચાનક આક્રમણ કરી દીધું હતું. જેમાં આપણાં દેશના પોલીસ દળના 10 જવાનો સામે લડતાં વીરગતિને પ્રાપ્ત થયા હતા. ત્યારથી દર વર્ષે શહીદોની યાદમાં અને સાથે દેશની સેવામાં પ્રાણ ન્યોચ્છાવર કરનારા દરેક પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં દાનહ, દમણ અને દીવના ઇન્ચાર્જ આઈ.જી. શ્રી મિલિન્દ મહાદેવ દુમ્બેરે, દાનહ એસ.પી. શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણા, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, અન્ય આઈ.પી.એસ. અધિકારીઓ, પી.આઈ. તેમજ દમણ પોલીસ અને સેલવાસ ફાયર વિભાગના અધિકારી તેમજ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.